ઉપલેટા તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો
સરકારી પ્રાથમિક શાળામાં 5-7 વર્ષની બાળાઓનું વિકલાંગ શિક્ષક ઘણા સમયથી શારીરિક શોષણ કરતો હતો, પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી
મળતી માહિતી મુજબ, દેવાણંદ ગોવાભાઈ બેરા નામના વિકલાંગ શિક્ષકે પાંચ થી સાત વર્ષની વયની પાંચ માસૂમ વિદ્યાર્થિનીઓ સાથે લાંબા સમયથી દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. જે ઘટનાની જાણ થતાં જ ભોગ બનનાર બાળકીઓના વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. તુરંત જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પાટણવાવ પોલીસે ત્વરિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શિક્ષક દેવાણંદ બેરાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
આ મામલે , ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજે જણાવ્યું કે, 'સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થિનીઓ સાથે અઘટિત કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ અમને મળી હતી. આ મામલો અત્યંત ગંભીર હોવાથી તાત્કાલિક ધોરણે પાટણવાવ પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી શિક્ષક દેવાણંદ બેરાની અટકાયત કરી લીધી છે. આરોપી સામે પોક્સો એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં અમે ભોગ બનનાર બાળકીઓના મેડિકલ તપાસ, કાઉન્સેલિંગ, તેમના વાલીઓ અને અન્ય સાક્ષીઓના નિવેદનો લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. તપાસ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં અને આ કેસમાં પૂરતા પુરાવા એકત્રિત કરી આરોપીને કડકમાં કડક સજા થાય તે મુજબની ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે.'


