Gujarat

ખોરજમાં સ્પાના સંચાલક પાસે પાંચ લાખ રૃપિયાની ખંડણી માગવામાં આવી

By GS TEAM
30 Oct 20252 mins read
ખોરજમાં સ્પાના સંચાલક પાસે પાંચ લાખ રૃપિયાની ખંડણી માગવામાં આવી

વહેવાર નહીં કરો તો જેલમાં પુરાવી દઈશ

સોશિયલ મીડિયામાં ચાલતી ચેનલના પત્રકારે એક લાખ રૃપિયા પણ વસૂલી લીધા ઃ આખરે ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ખોરજમાં ચાલતા સ્પાના સંચાલક પાસે ૫ લાખ રૃપિયાની ખંડણી માગીને એક લાખ રૃપિયા વસૂલવામાં આવ્યા હતા તેમજ તેને ધમકીઓ પણ આપવામાં આવતી હતી. છેવટે કંટાળીને આ વેપારી દ્વારા ખાનગી ન્યુઝ ચેનલના પત્રકાર સામે ખંડણી માગવા સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલમાં ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા સ્પા સંચાલકોને તોડબાજ વ્યક્તિઓનો ભેટો થઈ રહ્યો છે ત્યારે આ વખતે ખોરજમાં શાલીગ્રામ લેક વ્યૂ કોમ્પ્લેક્સમાં  સ્પાનું સંચાલન કરતા નીલ રાજીવભાઈ શાહ પાસે ખંડણી માનવામાં આવી હતી. જે ઘટના સંદર્ભે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે નીલના પિતા રાજીવ શાહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમનો પુત્ર ખોરજ અને વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્પાનું સંચાલન કરે છે તેના જ સ્પામાં ખાનગી ન્યુઝ ચેનલનો પત્રકાર સુનિલ બ્રહ્મભટ્ટ અવારનવાર તેમના કેમેરામેન સાથે આવતો હતો અને સ્પામાં વિડીયોગ્રાફી કરીને ધાક ધમકી આપતો હતો. એટલું જ નહીં સ્પા ચલાવવું હોય તો તારે રૃપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ગત ૧૨ ઓક્ટોબરના રોજ સુનિલ ગ્રાહક બનીને સ્પામા આવ્યો હતો અને ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરી સ્પાના મેનેજર તરુણ પ્રજાપતિનો નંબર લઈ ગયો હતો અને તેને ફોન કરીને કહ્યું હતું કે, તારા માલિકને મળવા મોકલ અને ત્યારબાદ પાંચ લાખ રૃપિયાની ખંડણી માગી હતી અને જો પૈસા નહીં આપો તો જીવલેણ ગુનામાં ફસાવી દઈશું અને આજીવન જેલમાં રહેવું પડશે તેમ કહ્યું હતું ત્યારબાદ ૧૫ ઓક્ટોબરના રોજ નીલ સુનિલને મળવા માટે ગયો હતો તે દરમિયાન તેની સાથે ગાળા ગાળી અને ધાક ધમકી આપવામાં આવી હતી ત્યાં અન્ય સ્પાના માલિકો પણ ભેગા થઈ જતા સુનિલનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ નીલ તેને કારમાં બેસાડી લઈ ગયો હતો અને ત્યાં એક લાખ રૃપિયા રોકડા આપ્યા હતા. જોકે સુનિલે નીલ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હોવાથી નીલે ખંડણીની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.