Gujarat

જામનગર શહેર અને જિલ્લામાં ફરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ તાપમાનનો પારો 6 ડિગ્રી ગગડયો: 11.0 ડિગ્રી તાપમાન

By GS Team
24 Jan 20222 mins read
This article was originally published on 24 Jan 2022
જામનગર શહેર અને જિલ્લામાં ફરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ તાપમાનનો પારો 6 ડિગ્રી ગગડયો: 11.0 ડિગ્રી તાપમાન

જામનગર, તા. 24, 

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો ફરીથી 6 ડિગ્રી જેટલો નીચે ગગડયો છે, અને ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વાતાવરણમાં બદલાવ આવ્યા પછી ઠંડીનો ચમકારો વધી ગયો છે, અને લઘુત્તમ તાપમાન 11.0 ડિગ્રી નોંધાયું છે. જેની સાથે સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે, અને બપોરે 24.0 ડિગ્રી જેટલું તાપમાન રહેતાં દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જો કે ભેજ અને બર્ફીલા ઠંડા પવનમાં રાહત જોવા મળી છે.

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો રિટર્ન થયો હતો, અને શનિવારે 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાથી ત્રણ દિવસ માટે ઠંડીમાં રાહત જોવા મળી હતી. પરંતુ ગઈકાલથી ધીમે ધીમે ઠંડીનો નવો દોર શરૂ થયો હતો, અને રવિવારે લઘુતમ તાપમાન 15.0 ડિગ્રી નોંધાયું હતું જેમાં પણ આજે વધુ ઘટાડો નોંધાયો છે અને વહેલી સવારે 11.0 ડિગ્રી સુધી પારો નીચે સરકયો હોવાથી કાતિલ ઠંડી અનુભવાઈ છે. હવામાન ખાતા દ્વારા હજુ ત્રણ દિવસ કોલ્ડવેવ રહેશે, તેવી આગાહી કરવામાં આવી હોવાથી હજુ ઠંડી વધે તેવી શક્યતા છે.

જોકે છેલ્લા બે દિવસથી ભેજ અને પવન માં રાહત છે. શનિવારે પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, અને ધૂળની આંધી પણ ઉડી હતી, પરંતુ તેમાં ધીમેધીમે ઘટાડો થયો છે, અને આજે માત્ર 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉપરાંત ભેજના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. જેથી વહેલી સવારે ઝાકળમાંથી મુક્તિ મળી છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 11.0 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74 ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 કિ.મી.ની ઝડપે રહી હતી.