Gujarat

ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો

By GS TEAM
4 Oct 20252 mins read
ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો

ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર

પોલીસે ૪.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને દારૃ મોકલનાર શખ્સ સામે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે રાજસ્થાનથી પીકઅપ ડાલામાં લઈ જવાઈ રહેલા વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને ૪.૨૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દારૃ મોકલનાર વ્યક્તિ સામે પણ ગુનો દાખલ કર્યો છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને દારૃ ભરેલા આવા વાહનોને પકડી રહી છે. આ સ્થિતિમાં ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક પીકઅપ ડાલામાં વિદેશી દારૃનો જથ્થો ભરીને હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને ડાલુ આવતા તેને રોડ સાઈડમાં ઊભા રહેવા ઈશારો કરવામાં આવ્યો હતો. જેના પગલે ડાલુ ઉભું રહેતા પોલીસે તેના ચાલકની પૂછપરછ કરતા તે રમેશ મનજીભાઈ દરંગા રહે, રોબીયાગામ, ખેરવાડા રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ ડાલાની અંદર તપાસ કરતા વિદેશી દારૃની નાની મોટી ૭૮૨ જેટલી બોટલ મળી આવી હતી. જેથી ડાલુ, દારૃ અને મોબાઈલ સહિત ૪.૨૦ લાખ રૃપિયાનો મુદ્દામાં જપ્ત કરી લેવામાં આવ્યો હતો તો આ વિદેશી દારૃ સંદર્ભે પુછપરછ કરવામાં આવતા દારૃનો જથ્થો શાંતીલાલ ડામોર રહે. શુખલાલ ગામ, જી. ઉદેપુર, રાજસ્થાનએ ભરી આપ્યો હતો. આ માલ નાના ચિલોડા અમદાવાદ ખાતે આપવાનો હતો. હાલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.