ધનસુરા હાઈસ્કુલના હાયર સેકન્ડરીના શિક્ષકને પોલીસે તપાસ માટે ઉઠાવ્યો

હિંમતનગર, તા. 4
ઉર્જા વિભાગમાં થયેલી ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરાયાનો
વિદ્યાર્થી આગેવાને કોન્ફરન્સ યોજી આક્ષેપ કર્યો છે અને બાયડ એ.પી. સેન્ટર હોવાનો
ધડાકો કરતાં અરવલ્લી જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે. અરવલ્લી પોલીસે ધનસુરા
હાઈસ્કુલના હાયર સેકન્ડરીના શિક્ષકને બપોરે તપાસ માટે ઉઠાવી જતાં શિક્ષણ જગતમાં
હડકંપ મચી ગયો છે. જ્યારે જિલ્લા ભાજપના આગેવાનોએ ભ્રષ્ટ નેતાઓને છાવરતાં કેટલાક
કાર્યકરોના પગતળે રેલો આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
બાયડ નજીકના એક
ગામના ૧૭ ઉમેદવારોને નોકરી મળતાં આ ભાંડો ફૂટયો હોવાનું અનુમાન છે. જ્યારે આ સાથે
જ અગાઉ એલ.આર.ડી. પેપર લીક પ્રકરણમાં જેનું નામ ઉછળ્યું હતું તેવા કોચીંગ ક્લાસ
સંચાલકનું નામ સામે આવી રહ્યું છે.
વર્ષોથી દિવસ-રાત જોયા વગર સરકારી નોકરી મેળવવા માટે તનતોડ
મહેનત કરતા ઉમેદવારોની મહેનત ઉપર ઠુકરાવઘાત જેવી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગત મહિને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તા.૧ર
ડિસેમ્બરે યોજાયેલ હેડકલાર્ક વર્ગ-૩ ની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાનો ધડાકો
કર્યા પછી સાબરકાંઠા, ગાંધીનગર પોલીસે અત્યાર સુધીમાં ૩ર
આરોપીઓની અટકાયત કરી રુ૧ કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉત્તર
ગુજરાતમાં આજથી કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી હતી પરંતુ તે પહેલાં જ
વિદ્યાર્થી નેતાએ ઉર્જા વિભાગ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં યુ.જી.વી.સી.એલ., પી.જી.વી.સી.એલ. અને
ડી.જી.વી.સી.એલ.માં મોટાપાયે ભરતી કૌભાંડ
આચરાયાનો આરોપ મૂક્યો છે અને તેમાં મોટાભાગે અરવલ્લી, સાબરકાંઠા
અને બનાસકાંઠાના ઉમેદવારોની પસંદગી થઈ છે. ઉર્જા વિભાગના ભરતી કૌભાંડનું મુખ્ય
એ.પી. સેન્ટર બાયડ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. રાજ્ય સરકારે પણ યુવરાજસિંહના
આરોપને ગંભીરતાપૂર્વક લઈ તપાસના આદેશ આપ્યા હોય તે રીતે ધનસુરાની જે.એસ.મહેતા
હાઈસ્કુલના શિક્ષક અરવિંદ એમ. પટેલ(રહે.જીતપુર, તા.બાયડ)ને
બપોર બાદ પોલીસ ટી-ક્લબમાંથી જ તપાસ માટે ઉઠાવી ગયાનું બહાર આવ્યું છે. શિક્ષક અરવિંદ પટેલ તપાસ દરમ્યાન વટાણા વેરે તો
અન્ય વચેટીયાઓના નામ બહાર આવવાની પણ સંભાવના છે. ઉર્જા વિભાગના ભરતી કૌભાંડમાં
કથિત રીતે સંડોવાયેલા વચેટીયાઓ વિદ્યાર્થી આગેવાનના ધડાકા પછી પોતાનું નામ ખુલશે
તેવી દહેશતના પગલે અંડર ગ્રાઉન્ડ માટે અદ્રશ્ય થયાનું જાણવા મળ્યું છે.




