કલેક્ટર, કમિશનર, ડીડીઓની બદલી થઈ છે : જિલ્લામાં ત્રણમાંથી એકપણ નવા IAS અધિકારી હાજર ન થયા હોવાથી અધિક કલેક્ટરે સંચાલન સંભાળ્યું
જૂનાગઢ, : જૂનાગઢમાં આજે ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરની ખુરશી ખાલી રાખી તેની બાજુની ખુરશીમાં બેસી અધિક કલેક્ટરે સંચાલન કરતાં આશ્ચર્ય ફેલાયું હતું. પ્રથમવાર જ મુખ્ય અધિકારીઓ વગર મળેલી આ બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ રસ્તા, પુરાતત્વ વિભાગના પ્રશ્ન મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.
આ બેઠક અગાઉથી નિર્ધારીત હતી પરંતુ કલેક્ટર, ડીડીઓની બદલી થઈ જતા તેઓ છુટા થઈ ગયા છે અને નવા અધિકારીઓ હજુ હાજર થયા નથી. અગાઉથી નિર્ધારીત હોવાથી ફરિયાદ સંકલનની બેઠકનું સંચાલન અધિક કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાજપના ત્રણ ધારાસભ્ય હાજર રહ્યા હતા. માણાવદરના ધારાસભ્યએ તેમના વિસ્તારના રસ્તા સહિતના મુદ્દે અધિકારીઓને તાકીદ કરી તાત્કાલિક કામ પૂર્ણ કરવા માંગ કરી હતી, જ્યારે જૂનાગઢના ધારાસભ્યએ પુરાતત્વ વિભાગને લગતા તથા નેશનલ હાઈવેના પ્રશ્નો ઉઠાવ્યા હતા.
અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે, આજની બેઠકમાં નવા 16 પ્રશ્નો હતા અને જૂના 25 પ્રશ્નો હતા. અલગ-અલગ વિભાગને લગતા પ્રશ્નો અંગે તાકીદે નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે જ્યારે આગામી સમયમાં ચોમાસું નજીક આવતું હોવાથી રસ્તાને લગતા પ્રશ્નોનું વહેલી તકે કામ પૂર્ણ કરવા જવાબદાર અધિકારીઓને આદેશ કરવામાં આવ્યા છે.


