Gujarat

કોર્પોરેશનના ઈજનેરોની બુધ્ધિનું પ્રદર્શન, CG રોડ ઉપર ૧૮ મીટરનો રોડ ૯ મીટરનો બનતા કામગીરી અટકાવાઈ

By GS TEAM
22 Jan 20262 mins read
કોર્પોરેશનના ઈજનેરોની બુધ્ધિનું પ્રદર્શન, CG રોડ ઉપર ૧૮ મીટરનો રોડ ૯ મીટરનો બનતા કામગીરી અટકાવાઈ

અમદાવાદ,બુધવાર,21 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેરોએ સી.જી.રોડ ડેવલપમેન્ટ પ્રોજેકટની ચાલતી કામગીરીને લઈ કરેલુ બુધ્ધિનુ પ્રદર્શન તેમને હવે મોંઘુ પડશે.સી.જી.રોડ ઉપર મીઠાખળીથી ગીરીશ કોલ્ડિંક સુધીના ૧૮ મીટરના રસ્તાને  કોન્ટ્રાકટર સ્કાયવે ઈન્ફ્રા પ્રોજેકટ દ્વારા ૯ મીટરનો કરી દેવાયો. ફૂટપાથ પહોળી કરી દેવાઈ.કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ ઉંઘતા રહ્યા બુધવારે સવારે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્થળ તપાસ કર્યા પછી કામગીરી અટકાવી દીધી હતી.

મીઠાખળી તથા લો ગાર્ડન પ્રિસિંકટ એરીયાને ડેવલપ કરવાની કામગીરી અંતર્ગત મીઠાખળી જંકશનથી ગીરીશ કોલ્ડ્રિંકસથી વાઘબકરી ટી લોન્જ સુધી ૧૮ મીટરના રસ્તાને ડેવલપ કરવાની કામગીરી શરુ કરવામા આવી હતી.અંદાજે રુપિયા ૯ કરોડના ખર્ચથી કોન્ટ્રાકટરને આ કામગીરી માટે વર્ક ઓર્ડર આપવામા આવ્યો હતો.સી.જી.રોડ ઉપર સરદાર પટેલ સેવા સમાજ હોલ પાસે કોન્ટ્રાકટરે ફુટપાથ,યુટીલીટી અને પાર્કિંગ બનાવીને રોડ સાંકડો કરી દીધો હોવાની જાણ ભાજપના પદાધિકારીઓને થતા તેઓ સ્થળ તપાસ માટે દોડી ગયા હતા.કોર્પોરેશનના અધિકારીઓના કહેવા મુજબ,મીઠાખળી જંકશનથી સરદાર પટેલ સેવા સમાજ હોલ ચાર રસ્તા સુધી રોડની જમણી બાજુએ ૨.૩ મીટર ઓનસ્ટ્રીટ પાર્કિંગ ઉપરાંત ૯ મીટર પહોળાઈમાં કેરેજ વે, ઉપરાંત ૧.૨ મીટર મલ્ટિ યુટિલિટી ઝોન તેમજ ૨.૦ મીટર ઓછી વત્તી પહોળાઈમાં ફૂટપાથ ડેવલપ કરવા ડિઝાઈન કરવામા આવી હતી.જયારે સરદાર પટેલ સેવા સમાજ હોલ, ચાર રસ્તાથી ગિરીશ કોલ્ડ્રિંક સુધીના રોડ ઉપર ડાબી બાજુએ ૨.૩ મીટર ઓનસ્ટ્રીટ પાર્કિંગ ઉપરાંત ૯ મીટર પહોળાઈમાં કેરેજ વે, ઉપરાંત ૧.૨ મીટર મલ્ટિ યુટિલિટી ઝોન તેમજ ૨.૦ મીટર ઓછી વત્તી પહોળાઈમાં ફૂટપાથ ડેવલપ કરવા ડિઝાઈન કરવામા આવી હતી.કોર્પોરેશનના ઈજનેરો માત્ર કન્સલ્ટન્ટ ઉપર આધાર રાખવાના બદલે સ્થળ  ઉપર જઈ કામગીરી કરે તેવી વિપક્ષે માંગણી કરી છે.