Gujarat

સગીર પુત્રની જુબાનીથી તેના પિતાની હત્યાના આરોપીને આજીવન કેદ ફરમાવતી અદાલત

By GS Team
6 Feb 20222 mins read
This article was originally published on 6 Feb 2022
સગીર પુત્રની જુબાનીથી તેના પિતાની હત્યાના આરોપીને આજીવન કેદ ફરમાવતી અદાલત

જામનગર તા. 06

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના  ફગાસ ગામમાં વર્ષ 2015માં  એક શ્રમિકની  હત્યા નિપજાવાઈ હતી. તે બનાવ નજરે જોનાર એક મૃતકના પુત્ર ની જુબાની તથા અન્ય પુરાવા લક્ષમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીની પત્ની સાથે ભોગ બનનારે મૈત્રીકરાર કર્યા હોય આથી આ હત્યા કરવા માં આવી હતી.

કાલાવડ તાલુકાના ફગાસ ગામમાં એક ખેતરમા મજૂરીકામ માટે આવીને રહેતા જગમલ અજમાલ નામના શ્રમીક  ગત તા. ૨૪-૨-૧૫ ની રાત્રે ખેતર માં નિંદ્રાધીન હતા ત્યારે મોહન મગનભાઈ પરમાર નામના શખ્સે તેના ગળા પર છરી ના ઘા મારી  હત્યા કરી હતી. આ બનાવ વેળાએ જગમાલના આઠ વર્ષ તેમજ ચાર અને બે વર્ષ ના પુત્રો હાજર હતા.

જે તે સમયે આ અંગે  પોલીસમાં ફરીયાદ કરવા માં આવી હતી અને ખુલ્યુ હતું કે, જગમાલની પત્ની લલિતાબેન રીસામણે છે. અને આ યુવાન બીજા શ્રમિક મોહન મગનભાઈ પરમારની પત્નીને લઈ આવી તેની સાથે મૈત્રીકરાર કરીને રહેતો હતો અને તે બાબત મોહન ને ખટકતી હતી. તેથી મોહને તેની હત્યા કરી  હતી.

આ કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા સરકાર તરફ થી વકીલ  ધર્મેન્દ્ર જીવરાજાણી એ દલીલો કરી હતી અને પાંત્રીસ સાહેદોની જુબાની તેમજ છવ્વીસ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આ બનાવમાં નજરે જોનાર સાહેદ ત્રણેય પુત્રની જુબાની લેવામાં આવી હતી. જેમાં જે તે વખતે માત્ર આઠ વર્ષની વય ધરાવતા મૃતકના મોટા પુત્રએ પોતાની નજર સામે બનેલો સંપૂર્ણ બનાવની વિગત અદાલત સમક્ષ રજૂ કરી હતી અને તેની સાથે સરકારી વકીલે કરેલી દલીલો પણ રજૂ થઈ હતી. અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી મોહન મગનભાઈ પરમારને તકસીરવાન ઠરાવી હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા અને રૂ. પાંચ હજારનો દંડનો હુકમ કર્યો છે. 

આ કેસમાં સરકાર તરફથી વકીલ ધર્મેન્દ્ર એ. જીવરાજાણી રોકાયા હતા.