Gujarat

ઢસામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર ઝડપાઈ

By GS Team
4 Feb 20222 mins read
This article was originally published on 4 Feb 2022
ઢસામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર ઝડપાઈ

- દારૂ ભરેલ કારનો પોલીસે પીછો કરતા ફિલ્મીઢબે દ્રશ્ય સર્જાયા

- પોલીસને નિહાળી ચાલકે કારને હંકારી મુકી દિવાલ સાથે અથડાવી : કારમાંથી 367 બોટલ કબજે લેવાય

ભાવનગર : ઢસાના ભાવનગર-રાજકોટ હાઇવે માર્ગ પર વાહન ચેકીંગમાં રહેલ પોલીસને નિહાળી કારના ચાલકે પોતાની કાર પુરઝડપે હંકારી મુકી દિવાલ સાથે અથડાવી ચાલક નાસી છુટયો હતો. દરમિયાન પોલીસે કારની તલાશી લેતા તેમાં છુપાવી રખાયેલ વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૩૬૭ બોટલ મળી આવતા કબ્જે લઇ ફરાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ઢસા પોલીસ મથકનો સ્ટાફ મળેલ પૂર્વ બાતમીના આધારે આજે વહેલી સવારે ૪ કલાકના અરસા દરમિયાન ગઢડા રોડ ઉપર વાહન ચેકીંગ કામગીરીમાં હતા તે વેળાએ ૨.૩૦ કલાકના સુમારે શંકાસ્પદ જણાતી કાર નં.જીજે-૨૨-એ-૮૧૮૨ના ચાલકે કાર ઉભી રાખવાનું કહેતા ચાલકે પોતાની કાર ઢસા જંક્શન રોડ પર પુરપાટ ઝડપે હંકારી મુકતા તેને પોલીસે પીછો કરતા ફિલ્મી ઢબે દ્રશ્યો સર્જાયા હતાં. દરમિયાન જંક્શન મેઇન રોડ પર રેલ્વે સ્ટેશનની સામે આવેલ દિવાલ સાથે ચાલકે કારને અથડાવી અકસ્માત સર્જ્યા બાદ અંધારાનો લાભ મેળવી ફરાર બન્યો હતો. દરમિયાન ઢસા પોલીસે કારનો કબ્જો સંભાળી તલાશી લેતા તેમાં છુપાવી રખાયેલ વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડ રોયલ ચેલેન્જની ૨૬૯ બોટલ, મેગડોવલ નં.-૧ની ૫૧ બોટલ, રોયલ ગ્રેન્ડડુરની ૪૬ બોટલ મળી કુલ દારૂની ૩૬૭ બોટલ મળી આવતા પોલીસે દારૂ, કાર મળી કુલ રૂા.૩.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉક્ત બનાવ અનુસંધાને પોલીસે ફરાર કારના ચાલક વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટની અલગ અલગ કલમો તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.