Get The App

ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી 1 - image

પોલીસને જોઈ કાર ભગાડી હતી, પોલીસે ફિલ્મીઢબે પીછો કરી પકડયા

કારમાંથી દારૃની ૬૯૬ બોટલ સાથે ઝડપાયેલા બે શખ્સને ઈજા થતાં સારવાર હેઠળ, ગઢડા પોલીસમાં ગુનો નોંધાયો

ગઢડા -  ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે બોટાદ એલસીબીએ ફિલ્મી ઢબે કારમાં આવી રહેલા વિદેશી દારૃના જથ્થાને ઝડપી પાડયો છે. પોલીસને જોઈ કાર ભગાડી દેનારા બુટલેગરોનો પીછો કરતા કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે શખ્સને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ મામલે પોલીસે દારૃની ૬૯૬ બોટલ મળી કુલ રૃ.૭.૯૩ના મુદ્દામાલ સાથે બે શખ્સ સામે ગઢડા પોલીસમાં ગુનો નોંધ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બોટાદ પોલીસે દારૃનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. બોટાદથી ગઢડા જીજે-૧૮-બીએન-૧૯૬૭માં વિદેશી દારૃ આવતો હોવાની બાતમીના આધારે બોટાદ એલસીબીએ ગઢડા બોટાદ રોડ પર કેનાલ પાસે વોચ ગોઠવતા બાતમીવાળી કાર આવી હતી. જેના ચાલકે પોલીસને જોઈ જતાં કારને યૂ-ટર્ન મારી ભગાડી હતી. આ દરમિયાન પોલીસે પણ કારનો ફિલ્મીઢબે પીછો કરતા કાર ચાલકે ગોરડકા ગામ પહેલા નાળા પાસે એક બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક પુરૃષ અને એક મહિલાને ઈજા પહોંચી હતી. તેમજ આ અકસ્માતમાં કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતાં કાર ચાલક નરેન્દ્રસિંહ વિરમસિંહ વાઘેલા અને યુવરાજસિંહ રણજીતસિંહ વાઘેલા (બન્ને રહે. રામનગર, તા.દાંતીવાડા, જી. બનાસકાંઠા)ને ઈજા પહોંચતા પોલીસે બન્નેને ઝડપી સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. તેમજ પોલીસને કારમાંથી રૃ.૯૩,૮૪૦ની કિંમતની દારૃની ૬૯૬ બોટલ મળી આવતા પોલીસે દારૃ અને કાર સહિત કુલ રૃ.૭.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલા બન્ને શખ્સો સામે પ્રોહિ. અને બીએનએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

બનાવટી નંબર પ્લેટ લગાવી દારૃની હેરફેર થતી હતી

તપાસ દરમિયાન પોલીસને જીજે-૧૮-બીએન-૧૯૬૭ નંબરની કારમાંથી જીજે-૧૮-બીએમ-૧૮૨૪ તથા જીજે-૦૮-ડીજે-૬૦૩૯ નંબરની નંબર પ્લેટ મળી આવી હતી. જે કારના ચેસિસ અને એન્જીન નંબરથી ખરાઈ કરતા કારનો સાચો નંબર જીજે-૦૮-ડીજે-૬૦૩૯ હોવાનું ખુલ્યું હતું. આમ, કારમાં બનાવટી નંબર પ્લેટ લગાવીને દારૃની હેરફેર કરવામાં આવતી હતી.