Gujarat

ઉનાના ભીંગરણમાં દિનદહાડે લૂંટના ઈરાદે વૃદ્ધાની નિર્દયતાપૂર્વક હત્યા, કાન કાપી સોનાના દાગીના કાઢી લીધા

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
ઉના તાલુકાના ભીંગરણ ગામે 85 વર્ષીય રખમાઈબેન બાંભણિયાની ધોળા દિવસે ઘરમાં ઘૂસી નિર્દયતાપૂર્વક હત્યા કરાઈ છે. લૂંટના ઇરાદે હત્યારાઓએ વૃદ્ધાના કાન કાપી સોનાના બુટીયા અને ચેન લૂંટી લીધા હતા. બપોરના સમયે એકલતાનો લાભ ઉઠાવી આ ગુનો આચરવામાં આવ્યો હતો. નવાબંદર પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી ગામમાં ભય અને આક્રોશ વ્યાપ્યો છે, જે વૃદ્ધોની સુરક્ષા સામે સવાલો ઊભા કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉનાના ભીંગરણમાં દિનદહાડે લૂંટના ઈરાદે વૃદ્ધાની નિર્દયતાપૂર્વક હત્યા, કાન કાપી સોનાના દાગીના કાઢી લીધા

Una Crime News: ઉના તાલુકાના ભીંગરણ ગામે કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત હચમચાવનારી ઘટના સામે આવી છે. પોતાના મકાનમાં એકલાં રહેતાં 85 વર્ષીય રખમાઈબેન પીઠાભાઈ બાંભણિયાની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધથી સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

બપોરના સમયે એકલતાનો લાભ ઉઠાવી આચરાયો ગુનો

પોલીસમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, મૃતક રખમાઈબેન ભીંગરણમાં આંગણવાડી કેન્દ્ર નંબર-1 પાસે આવેલા પોતાના ઘરે એકલાં રહેતાં હતાં, જ્યારે તેમનો પરિવાર નજીકમાં જ આવેલી વાડીના મકાનમાં રહેતો હતો. રવિવારે બપોરે 2:00થી 3:30 વાગ્યા દરમિયાન જ્યારે આસપાસની વસ્તી શાંત હતી, ત્યારે અજાણ્યા શખસોએ વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો. બપોરે જ્યારે સંબંધીઓ તેમને મળવા પહોંચ્યા ત્યારે ઘરની અંદર રખમાઈબેનનો લોહીથી લથપથ મૃતદેહ જમીન પર પડેલો જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. આ બનાવની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ સરપંચ દ્વારા આ અંગે પોલીસને જાણ કરાતા નવાબંદર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

કાન કાપીને સોનાના બુટીયા અને ચેન આંચકી લીધા

પ્રાથમિક તપાસમાં ખુલેલી વિગતો અનુસાર, હત્યારાઓએ વૃદ્ધાના ગળા પર ધારદાર હથિયારના ઘા ઝીંક્યા બાદ તેમના બંને કાન કાપી નાખ્યા હતા. કાનમાંથી સોનાના બે બુટીયા તથા ગળામાંથી સોનાની ચેન બળજબરીપૂર્વક લૂંટી લીધી હતી. માત્ર થોડી રકમ અને દાગીના માટે એક અસહાય વૃદ્ધાનો આ રીતે ભોગ લેવાયો હોવાથી સમગ્ર ગ્રામજનોમાં ઘેરા શોક અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.

તપાસના ચક્રો ગતિમાન: CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હત્યા અને લૂંટના આ ગુનાનો ઉકેલ લાવવા માટે યુદ્ધના ધોરણે ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શંકાસ્પદ ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે કોની-કોની અવરજવર રહી હતી, આ ગુનામાં કેટલા શખ્સો સંડોવાયેલા છે અને લૂંટાયેલા સોનાના દાગીના કયા સ્થળે કે કોને વેચવામાં આવી શકે છે તે તમામ દિશામાં પોલીસ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.

વૃદ્ધોની સુરક્ષા સામે સવાલ અને પોલીસ પેટ્રોલિંગ સામે પ્રશ્નાર્થ

વૃદ્ધાના શરીર પરથી દાગીના આંચકી લેવા માટે અપનાવાયેલી આ પાશવી પદ્ધતિએ માનવતાને શરમમાં મૂકી દીધી છે. દિનપ્રતિદિન વધી રહેલા અપરાધો વચ્ચે ધોળા દિવસે ગામની અંદર ઘરમાં ઘૂસીને એક વૃદ્ધ મહિલાની હત્યા થઈ જવાની આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કર્યા છે. ગામડાઓમાં કે ઘરોમાં એકલાં રહેતાં વૃદ્ધ નાગરિકો હવે ગુનેગારોના નિશાના પર આવી રહ્યા છે, જે ભારે ચિંતાજનક વિષય બન્યો છે.