સમુદ્રનું જળસ્તર વધતાં ગુજરાતના દરિયાકાંઠા નજીકના ગામડાઓ પર ડૂબી જવાનું તોળાતું સંકટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Coastal Vulnerability: વૈશ્વિક સ્તરે વધતી ગરમી અને ક્લાઇમેટ ચેન્જના કારણે સમુદ્રની જળસપાટી (સી લેવલ) સતત વધી રહી છે, જેનાથી તટીય વિસ્તારો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના તાજેતરના રિપોર્ટ અનુસાર, સમુદ્રી જળસ્તર વધવાથી મુંબઈ, કલકત્તા અને બાંગ્લાદેશના ઢાંકા જેવા વિસ્તારોમાં આશરે 1.40 કરોડ લોકો વિસ્થાપિત થવાનું અને તેમના ઘરો કાયમી ધોરણે પાણીમાં ગરકાવ થઈ જવાનું જોખમ ઊભું થયું છે. જોકે આ રિપોર્ટમાં ગુજરાતનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે વધતા જળસ્તરની ગંભીર અસરો ગુજરાતના દરિયાકાંઠાના ગામો અને મકાનો પર પણ જોવા મળી શકે તેમ છે.
45 ટકા કાંઠાના વિસ્તાર હાઈરિસ્ક કેટેગરીમાં
ભારતમાં સૌથી મોટો દરિયાકાંઠો ગુજરાત ધરાવે છે, જે અગાઉ 1600 કિમી અને 1217 કિમી ગણાતો હતો, પરંતુ 2025ની અદ્યતન ટેકનોલોજી આધારિત ગણતરી મુજબ હાલ તે 2340.82 કિમી જેટલો લાંબો છે. અહીં વર્ષોથી જમીન ધોવાણ અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ આવતી રહી છે. હાલમાં રાજ્યનો આશરે 45 ટકા કાંઠાના વિસ્તાર હાઈરિસ્ક કેટેગરીમાં આવે છે. અનુમાન મુજબ, ઈ.સ. 2100 સુધીમાં કેટલાક વિસ્તારોમાં સમુદ્રનું લેવલ 87 સેમી સુધી વધી શકે છે. UNના રિપોર્ટ પ્રમાણે, જળસ્તર વધવાથી માત્ર મકાનો ડૂબી જશે એટલું જ નહીં, પરંતુ કૂવા અને બોરના પીવાના શુદ્ધ પાણીમાં દરિયાનું ખારું પાણી ભળી જવું તેમજ જમીન ધોવાણ (ઈરોઝન) થવા જેવી વિકટ સમસ્યાઓ પણ સર્જાશે.
તાપમાનમાં વધારો અને વરસાદી પેટર્નમાં મોટો ફેરફાર
અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સપ્ટેમ્બર-2026ના રિપોર્ટ અનુસાર, ભારતનું સરેરાશ તાપમાન 1.5 સેલ્સિયસ સુધી વધવાની શક્યતા છે, જેના લીધે દેશના દરિયાકાંઠા નજીકના 40 જિલ્લાઓમાં ઉનાળુ તાપમાન 1 સેલ્સિયસ વધી શકે છે. આ સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસાની પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળશે, જેમાં સુરત અને ભાવનગર જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનો સરેરાશ વરસાદ 23 ટકા સુધી વધી શકે છે. આ રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર પર્યાવરણના એક મોટા પરિવર્તનકાળમાંથી પસાર થઈ રહ્યા છે.
કચ્છથી વલસાડ સુધીનો દરિયાકાંઠો અત્યંત સંવેદનશીલ
ગુજરાતના ક્લાઈમેટ ચેન્જ વિભાગના જણાવ્યા મુજબ, કચ્છથી લઈને વલસાડ સુધીનો સમગ્ર દરિયાકાંઠાનો વિસ્તાર ક્લાઈમેટ ચેન્જ સામે સૌથી વધુ સંવેદનશીલ છે. સમુદ્રના જળસ્તરમાં વધારો અને તાપમાનમાં ફેરફાર થવાથી રાજ્યની કૃષિ ઉત્પાદકતા ઘટી શકે છે. આ ઉપરાંત, રાજ્યની મહત્ત્વની નદીઓમાં આવતા પાણીના પ્રવાહમાં પણ ઘટાડો થવાનું મોટું જોખમ રહેલું છે.




