Gujarat

ઉ.ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો સાથે અન્યાય, ખાટલા બેઠક અને ઉગ્ર આંદોલનની ચીમકી

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો અને ખાનગી કંપનીઓ વચ્ચે કરાર આધારિત ખેતી મુદ્દે ગંભીર વિવાદ સર્જાયો છે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ખેડૂતો કંપનીઓની 1.600 કિલો બટાકાની કપાત, લોડિંગ ખર્ચ અને અંગ્રેજી કરાર જેવી મનસ્વી શરતોથી કંટાળી ગયા છે. ખેડૂતો હવે રાત્રિ સભાઓ યોજી કંપનીઓ સામે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉ.ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો સાથે અન્યાય, ખાટલા બેઠક અને ઉગ્ર આંદોલનની ચીમકી

Potato Farmers vs Contract Farming Companies: ઉત્તર ગુજરાતમાં કરાર આધારિત ખેતી (કોન્ટ્રાક્ટ ફાર્મિંગ)ના નામે બટાકા પકવતા ખેડૂતો અને ખાનગી કંપનીઓ વચ્ચેનો વિવાદ હવે અત્યંત ગંભીર બન્યો છે. શરૂઆતના વર્ષોમાં આ કંપનીઓ સાથે કરાર કરીને સારો નફો મેળવનારા ખેડૂતોનો હવે ખાનગી કંપનીઓ પરથી મોહભંગ થઈ રહ્યો છે. કંપનીઓ દ્વારા કરવામાં આવતા કથિત અન્યાય અને મનસ્વી શરતોથી કંટાળીને હવે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો એકજૂથ થઈ રહ્યા છે. તેઓ રાત્રિ સભાઓ અને ખાટલા બેઠકો યોજીને કંપનીઓ સામે ઉગ્ર આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

કંપનીઓની મનસ્વી કપાત અને ખેડૂતો પર આર્થિક ભારણ

ખેડૂતોએ ખાનગી કંપનીઓની જોહુકમી સામે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે કંપનીઓ દ્વારા દર 100 કિલો બટાકા સામે 1 કિલો 600 ગ્રામ બટાકાની અણધારી કપાત કરવામાં આવે છે. આ કપાત કયા નિયમ હેઠળ અને શા માટે કરાય છે તેની કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. આ ઉપરાંત, ગાડીઓમાં માલ લોડિંગ કરવા માટેની મજૂરીનો ખર્ચ પણ કંપનીઓ આપતી નથી, જેથી આ વધારાનો ખર્ચ ખેડૂતોના શિરે આવે છે અને તેમના પર આર્થિક ભારણ વધે છે.

મોંઘવારી વચ્ચે નીચા ભાવ અને અન્યાયી કાપ

એક તરફ ડીઝલ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે, ત્યારે બીજી તરફ કંપનીઓ અગાઉથી નક્કી થયેલા નીચા ભાવ જ ખેડૂતોને આપે છે. આટલું ઓછું હોય તેમ, કુદરતી આફતો કે પ્રતિકૂળ હવામાનનું બહાનું ધરીને કંપનીઓ છેલ્લી ઘડીએ નક્કી કરેલી રકમમાંથી પણ કપાત કરી લે છે. આ પરિસ્થિતિના કારણે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને આ ખેતી બિલકુલ પોસાય તેમ રહી નથી.

અંગ્રેજીમાં કરારના દસ્તાવેજો: ભોળા ખેડૂતો સાથે કાયદાકીય છેતરપિંડી

સ્થાનિક ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, મોટાભાગની ખાનગી કંપનીઓ કરારના દસ્તાવેજો માત્ર અંગ્રેજી ભાષામાં જ તૈયાર કરે છે. ગ્રામીણ વિસ્તારના ભોળા અને ઓછું ભણેલા ખેડૂતો આ જટિલ અંગ્રેજી શરતો સમજી શકતા નથી. તેઓ કંપનીઓ પર વિશ્વાસ મૂકીને દસ્તાવેજો પર સહી કરી દે છે, પરંતુ બાદમાં આ જટિલ અને અન્યાયી શરતોના કારણે તેમના હાથ કાયદાકીય રીતે બંધાઈ જાય છે અને તેઓ કંપનીઓની મનમાની સામે લાચાર બની જાય છે.