Gujarat

ગુજરાતમાં 'મનરેગા' યોજના વેન્ટિલેટર પર, ગરીબોને 100 દિવસ રોજગારી આપતાં હાંફી ગઈ!

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ગ્રામીણ ગરીબોને રોજગારી આપવાના સરકારી દાવાઓ વચ્ચે ચોંકાવનારો ખુલાસો થયો છે. મનરેગા યોજના રાજ્યમાં નિષ્ફળ સાબિત થઈ છે. છેલ્લા 5 વર્ષમાં 8.14 લાખ મજૂરોને કામ મળતું બંધ થયું છે. 2021-22માં 18.43 લાખ શ્રમિકોને રોજગારી મળતી હતી, જે 2025-26 સુધીમાં ઘટીને 10.29 લાખ થઈ ગઈ છે. સમયસર વેતન ન મળવું, બજેટ કાપ અને ગેરરીતિઓ આ ઘટાડા માટે જવાબદાર છે. મજૂરોના 132 કરોડ રૂપિયા હજુ બાકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 'મનરેગા' યોજના વેન્ટિલેટર પર, ગરીબોને 100 દિવસ રોજગારી આપતાં હાંફી ગઈ!
IMAGE - IANS

Gujarat MGNREGA news: ગુજરાતમાં ગ્રામીણ ગરીબોને પોતાના ગામમાં જ રોજગારી પૂરી પાડવાના સરકારી દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારની અતિ મહત્ત્વકાંક્ષી 'મનરેગા' (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના) રાજ્યમાં ગરીબોને આજીવિકા આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ કામ કરતા 8.14 લાખ મજૂરો બહાર ફેંકાઈ ગયા છે. રોજગારી આપવાના નામે ચાલતી આ યોજના હવે માત્ર કાગળ પરની કવાયત બનીને રહી ગઈ હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે.

5 વર્ષમાં મજૂરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2021-22માં રાજ્યમાં 18.43 લાખ શ્રમિકોને મનરેગા હેઠળ રોજગારી મળી હતી. જોકે, વહીવટી ઉદાસીનતા અને નીતિગત ખામીઓના કારણે વર્ષ 2025-26 સુધીમાં આ સંખ્યા ચોંકાવનારી હદે ઘટીને માત્ર 10.29 લાખ થઈ ગઈ છે. કાયદાકીય રીતે ગ્રામીણ ગરીબ પરિવારોને વર્ષમાં 100 દિવસની ગેરંટેડ રોજગારી આપતી આ યોજના આશીર્વાદરૂપ મનાતી હતી, પરંતુ ગુજરાતમાં તે સક્ષમ માધ્યમ બનવાના બદલે માત્ર એક ઔપચારિકતા બનીને રહી ગઈ છે.

મોંઘવારી, બજેટ કાપ અને શહેરો તરફ સ્થળાંતર

શ્રમિકોની સંખ્યામાં આવેલા આ મોટા ઘટાડા પાછળ સમયસર વેતન ન મળવું અથવા બજારભાવ કરતાં ઓછું વેતન હોવું મુખ્ય કારણ માનવામાં આવે છે. પેટનો ખાડો પૂરવા માટે ગરીબોને હવે ગ્રામીણ વિસ્તારો છોડીને શહેરો તરફ સ્થળાંતર કરવાની નોબત આવી છે. આ ઉપરાંત, યોજના હેઠળ બજેટમાં કાપ મૂકવો અને કામની માંગ હોવા છતાં મંજૂરી ન આપવી જેવા આક્ષેપો પણ સતત થઈ રહ્યા છે.

બોગસ જોબકાર્ડ, ગેરરીતિ અને રૂ. 132 કરોડનું બાકી ચૂકવણું

બીજી તરફ, પંચમહાલ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મનરેગા યોજનામાં વ્યાપક ગેરરીતિઓ અને બોગસ જોબકાર્ડના આધારે લાભ ખાટવાના પ્રયાસો થયા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો છે કે, મનરેગા હેઠળ કામ કરતા મજૂરોના વેતન અને વિકાસલક્ષી કામોના મટિરિયલ્સ પેટે હજુ પણ રૂ. 132 કરોડનું ચૂકવણું કરવાનું બાકી છે. સરકારી તંત્ર ભલે વિકાસના દાવા કરતું હોય, પરંતુ ગ્રામીણ ગરીબો માટે જીવનનિર્વાહનું સૌથી મોટું સાધન ગણાતી આ યોજના હાલ સંપૂર્ણપણે હાંફી ગઈ છે.

20260810-265065-1786301083.jpeg