ગુજરાત કોંગ્રેસના ઈન્ચાર્જ બાદ હવે બે સહ પ્રભારીની પણ વિદાય નક્કી, હાઈકમાન્ડ એક્શન મોડમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Congress Overhaul: ઓક્સિજન હેઠળ ચાલી રહેલી ગુજરાત કોંગ્રેસને પુનઃ જીવિત કરવા માટે દિલ્હી હાઈકમાન્ડ પૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ નિષ્ક્રિયતાના આક્ષેપો વચ્ચે પ્રભારી મુકુલ વાસનિકને પદ પરથી હટાવી દીધા છે અને તેમના સ્થાને યુવા નેતા રણદીપ સિંહ સુરજેવાલાની નિયુક્તિ કરી દીધી છે. દિલ્હીમાં નવા પ્રભારી સાથે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુકુલ વાસનિકની વિદાય બાદ હવે ગુજરાત કોંગ્રેસના બે સહ-પ્રભારીઓને પણ સંગઠનમાંથી મુક્ત કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. નવા સહ-પ્રભારીઓની નિમણૂક કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસના સમગ્ર માળખાને નવો ઓપ આપવાની તૈયારીઓ ચાલી રહી છે.
બપોરે આવવું અને સાંજે જતાં રહેવું વાસનિકને ભારે પડ્યું
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વ પ્રભારી મુકુલ વાસનિકની કામ કરવાની શૈલીથી કોંગ્રેસ હાઈકમાન્ડ અને ખાસ કરીને રાહુલ ગાંધી ભારે નારાજ હતા. વાસનિક માત્ર ટૂંકી મુલાકાતો માટે જ ગુજરાત આવતા હતા, જેમાં બપોરે 2 વાગ્યાની ફ્લાઈટમાં અમદાવાદ આવવું અને સાંજે 7 વાગ્યાની ફ્લાઈટમાં દિલ્હી પરત ફરી જવું જેવી નીતિ તેમણે અપનાવી હતી.
તેમની આ નીતિને કારણે ગ્રાઉન્ડ લેવલ પર પાર્ટીનું સંગઠન સાવ તૂટી ગયું હતું. રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન ગુજરાતમાં જે સાનુકૂળ માહોલ બન્યો હતો, તેને સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતાએ ઠંડો પાડી દીધો હતો, જેના પરિણામે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટો પરાજય વેઠવો પડ્યો હતો.
સુનિલ કાનુગોલુના રિપોર્ટથી થયો ખુલાસો, બે સહ-પ્રભારીઓ પર તલવાર લટકી
કોંગ્રેસના મુખ્ય ચૂંટણી વ્યૂહરચનાકાર સુનિલ કાનુગોલુના આંતરિક રિપોર્ટમાં ઘણો મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ ઘડવા માટે બનાવાયેલી સમિતિઓમાં એવા નેતાઓને સ્થાન અપાયું હતું જેઓ જમીની સ્તર પર કોઈ પ્રભાવ ધરાવતા નહોતા.
સાથોસાથ, ભાજપ સાથે આડકતરી સાંઠગાંઠ ધરાવતા સિનિયર નેતાઓને પણ હવે શિસ્તપૂર્વક સાઈડલાઈન કરવાની વ્યૂહરચના ઘડવામાં આવી છે. પાયાના અને સક્રિય કાર્યકરોને બદલે નિષ્ક્રિય નેતાઓને વધુ મહત્ત્વ આપવાને કારણે જ મુકુલ વાસનિકની છુટ્ટી થઈ હોવાની ચર્ચા છે. હવે હાઈકમાન્ડ રાજકીય સર્જિકલ સ્ટ્રાઈક કરીને સહ-પ્રભારી સુહાસીની યાદવ અને રામકિશન ઓઝાને પણ સંગઠનમાંથી વિદાય આપે તે લગભગ નક્કી થઈ ગયું છે.
ભાજપ સામે લડવા ડિજિટલ અને આક્રમક પ્રચારની નવી વ્યુહરચના
ગુજરાતમાં ભાજપના મજબૂત પ્રચાર તંત્ર સામે વિધાનસભાની ચૂંટણી જીતવી નવા પ્રભારી રણદીપ સુરજેવાલા માટે સરળ નહીં હોય. આમ છતાં, કોંગ્રેસ હાઈકમાન્ડે ભાજપના ગઢમાં ગાબડાં પાડવા માટે મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર આક્રમક પ્રચાર કરવાની નવી વ્યૂહરચના ઘડી કાઢી છે.




