Gujarat

ગિરનાર લીલી પરિક્રમા: તંત્રના ખોટા અંદાજ અને પાણીની તંગીથી અન્નક્ષેત્રોને ફટકો! અનાજ પડ્યું રહ્યું

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે યાત્રિકોની સંખ્યા ધારણા કરતાં ઓછી રહી છે. જંગલના રૂટ પર પાણીની તીવ્ર અછતને કારણે યાત્રિકોએ રોકાણ ટાળી, ઝડપથી પરિક્રમા પૂરી કરી. પરિણામે, લાખો યાત્રિકોની આશાએ સવાયું કે દોઢું રાશન લાવનાર અન્નક્ષેત્રો પાસે મોટી માત્રામાં કાચું અનાજ અને કરિયાણું વણવપરાયેલું પડ્યું રહ્યું છે, જે વર્ષો જૂની પરંપરામાં મોટો બદલાવ સૂચવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગિરનાર લીલી પરિક્રમા: તંત્રના ખોટા અંદાજ અને પાણીની તંગીથી અન્નક્ષેત્રોને ફટકો! અનાજ પડ્યું રહ્યું

Girnar Lili Parikrama: ગિરનારની લીલી પરિક્રમામાં આ વખતે વહીવટી તંત્રની ધારણા કરતા યાત્રિકોની સંખ્યા ઘણી ઓછી રહેતા અને જંગલના રૂટ પર પાણીની તીવ્ર તંગી સર્જાતા પરિક્રમાની વર્ષો જૂની પરંપરા અને ટ્રેન્ડમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. જેની સીધી અસર પરિક્રમાર્થીઓની સેવામાં રાત-દિવસ જોતરાયેલા રહેતા અન્નક્ષેત્રો પર પડી છે. મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડવાની આશાએ સવાયું કે દોઢું કાચું સીધું લઈને આવેલા સેવાભાવી અન્નક્ષેત્રના સંચાલકો પાસે હાલ મોટા પ્રમાણમાં કાચું અનાજ અને કરિયાણું વણવપરાયેલું પડ્યું રહ્યું છે.

લાખો યાત્રિકોની ધારણા સામે ઓછી ભીડ અને દોઢું રાશન

ગત વર્ષે કમોસમી વરસાદના કારણે પરિક્રમા બંધ રહી હોવાથી તેમજ આ વર્ષે ખેડૂતોને ખેતીની સીઝન ન હોવાથી તેઓ પાસે પૂરતી ફુરસદ હોવાના કારણે વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓનું એવું અનુમાન હતું કે આ વખતે પરિક્રમામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. આ જ ધારણાને ધ્યાને રાખીને કોઈપણ યાત્રિક ભૂખ્યો ન રહે તેવા શુભ આશયથી અન્નક્ષેત્રના સંચાલકોએ દર વર્ષ કરતા સવાયું કે દોઢું અનાજ, શાકભાજી, તેલ અને મસાલા વગેરે એકત્ર કર્યું હતું. જોકે, પરિક્રમા શરૂ થયા બાદ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ સામે આવ્યું હતું, કારણ કે તંત્રના અંદાજ કરતા યાત્રિકોનો પ્રવાહ ઘણો ઓછો રહ્યો હતો.

પાણીની તીવ્ર અછતને કારણે યાત્રિકોએ રોકાણ ટાળ્યું

યાત્રિકોની ઓછી સંખ્યા ઉપરાંત પરિક્રમાના રૂટ પર પાણીની ભારે અછત સર્જાઈ હતી. જંગલ વિસ્તારમાં પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે યાત્રિકોએ પરિક્રમાના વિવિધ પડાવો પર નિરાંતે રોકાણ કરવાનું ટાળ્યું હતું. પરિણામે, અગાઉ જ્યાં યાત્રિકો ભજન-ભોજન અને આરામ સાથે ચાર-પાંચ દિવસે પરિક્રમા પૂર્ણ કરતા હતા, તેના બદલે આ વખતે મોટાભાગના યાત્રિકોએ ક્યાંય રોકાયા વિના સીધેસીધા ચાલીને ફટાફટ પોતાની યાત્રા પૂર્ણ કરી દીધી હતી.

ત્રણ મુખ્ય સ્થળો પરના અન્નક્ષેત્રોમાં કરિયાણું વણવપરાયેલું રહ્યું

વર્ષોથી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર ચલાવતા ખોડીયાર રાસ મંડળના સંચાલકોએ આ પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, તેઓએ દર વર્ષની જેમ આ વખતે પણ ભવનાથ, જીણાબાવાની મઢી અને બોરદેવી એમ ત્રણ મુખ્ય સ્થળો પર અન્નક્ષેત્ર શરૂ કર્યા હતા. તંત્રની ધારણા મુજબ યાત્રિકોની ભારે ભીડ થશે તેમ માનીને તેઓ દર વખત કરતા દોઢું સીધું લાવ્યા હતા. પરંતુ આ વખતે યાત્રિકો અંદાજ કરતા ઓછા આવ્યા અને રૂટ પર પાણીની અછત હોવાથી યાત્રિકો ક્યાંય રોકાયા જ નહીં અને સતત ચાલતા જ રહ્યા. જેના કારણે તેમના સહિત મોટાભાગના અન્નક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં કાચું સીધું પડી રહ્યું છે.