Gujarat

પેરિસમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની ઉજવણી

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
પેરિસમાં BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતી ભવ્યતાથી ઉજવાઈ. 13 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં હજારો ભક્તો જોડાયા. યુરોપમાં તેમની જન્મજયંતીની પ્રથમ ઉજવણી હતી. 'મહંત સ્વામી મહારાજ: ધ ગુરુ ધેટ ગિવ્સ' શીર્ષક હેઠળ આધ્યાત્મિક જ્ઞાન, સંપ, નિઃસ્વાર્થ પ્રેમ અને ભગવાનની અનુભૂતિના સંદેશાઓ રજૂ કરાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

પેરિસમાં  પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની  ઉજવણી

Paris BAPS News : રવિવારે, 13 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની અંગ્રેજી તારીખ પ્રમાણે 93મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.. તેમના જીવન, કાર્ય તથા સંપ, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના સંદેશને સમર્પિત આ વિશેષ કાર્યક્રમમાં હજારો લોકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.
પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે યોજાયેલી આ ઉજવણી વિશેષ ઐતિહાસિક બની હતી, કારણ કે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યુરોપમાં તેમની જન્મજયંતીની ઉજવણી પ્રથમવાર કરવામાં આવી હતી.‘Mahant Swami Maharaj: The Guru That Gives’ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં તેઓના જીવન અને પ્રભાવનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. સ્વાનુભાવો, વિડીયો પ્રસ્તુતિઓ, વક્તવ્યો, સંગીત અને નૃત્ય દ્વારા તેમની જીવનશૈલી અને ઉપદેશોમાં પ્રતિબિંબિત થતી ચાર શાશ્વત ‘ભેટ’ રજૂ કરવામાં આવી: આધ્યાત્મિક જ્ઞાન અને સ્પષ્ટતા, સંપ અને સુમેળ, નિઃસ્વાર્થ પ્રેમ તથા ભગવાનની અનુભૂતિ તરફ દોરી જતો માર્ગ.
કાર્યક્રમના પ્રથમ ભાગમાં આધ્યાત્મિક જ્ઞાનની ભેટ તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનથી અન્ય લોકોના જીવનમાં આવેલી સ્પષ્ટતા અને દિશાનું નિરૂપણ કરવામાં આવ્યું. બી.એ.પી.એસ.ના જ્ઞાનવત્સલદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આધ્યાત્મિક જ્ઞાન અને સ્પષ્ટતાની જીવન પર પડતી પ્રભાવક અસર અંગે વિશેષ વિચારો રજૂ કર્યા હતા.ત્યારબાદ બી.એ.પી.એસ.ના આદર્શજીવનદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ‘સંપ’ના ઉપદેશો તથા વિવિધ દેશો, સંસ્કૃતિઓ અને સમાજના વિવિધ વર્ગોમાં સુમેળ સ્થાપવા માટેના તેમના સતત પ્રયત્નો અંગે વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમનો ત્રીજો વિષય નિઃસ્વાર્થ પ્રેમ હતો. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પોતાના આધ્યાત્મિક ગુરુઓ પાસેથી પ્રાપ્ત થયેલા પ્રેમ અંગે વાત કરી હતી. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો–આનંદસ્વરૂપ સ્વામી અને નારાયણમુનિ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રેમ અને કાળજીની જીવનપરિવર્તક શક્તિને દર્શાવતા અનુભવો રજૂ કર્યા હતા. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત વિવેકસાગરદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લોકોને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા તરફ કેવી રીતે દોરી જાય છે તે અંગે વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ બાળકો, કિશોરો, યુવાનો, વડીલોએ એકત્રિત થઈને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
પેરિસમાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિરને પણ આ આદર્શોની ચિરંજીવ અભિવ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.