Gujarat

સુરત: મેટલના વધતા ભાવથી જરીના ઉધોગકારો પરેશાન, 80 ટકા ઉદ્યોગકારોએ ઉત્પાદન કર્યું બંધ

By GS Team
22 Mar 20222 mins read
This article was originally published on 22 Mar 2022
સુરત: મેટલના વધતા ભાવથી જરીના ઉધોગકારો પરેશાન, 80 ટકા ઉદ્યોગકારોએ ઉત્પાદન કર્યું બંધ

સુરત,તા.22 માર્ચ 2022, મંગળવાર

કોરોનાકાળ બાદ ધાતુ આ ભાવોમાં વધારો થઈ રહ્યો હતો અને હવે છેલ્લા 20 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસરથી પણ ધાતુના ભાવો વધ્યા છે. જેની સીધી અસર સુરતના વેપાર ઉદ્યોગ પર પડી રહી છે. ધાતુના ભાવમાં સતત વધારાને કારણે જરી ઉદ્યોગને પ્રતિકૂળ અસર થઈ રહી છે. જેના કારણે 80 ટકા જરી ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કરી દીધું છે.

છેલ્લા 20 દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સોના-ચાંદી, તાંબુ અને યાર્નના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેની અસર સુરતના ધાતુ સાથે સંકળાયેલ તમામ ઉદ્યોગો પર પડી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ભાવ વધવાના કારણે જરીના ખર્ચમાં પણ વધારો થયો છે. જો ઉદ્યોગકારો આ વધેલા ભાવે કાચો માલ ખરીદીને તેને જરી બનાવીએ અને થોડા દિવસોમાં ભાવ નીચે આવી જાય તો મોટું નુકસાન થઈ શકે છે. તેથી સુરતના મોટાભાગના જરી ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કરી દીધું છે. માત્ર 20-25 ટકા એકમોમાં ઉત્પાદન થઈ રહ્યું છે.

જરી એસોસિયેશન ના અગ્રણીએ કહ્યું કે હોળીમાં અમે બે ત્રણ દિવસની રજા રાખતા હોઈએ છે.પણ આ વખતે અમે 10 દિવસ રજા રાખી છે. જેનું કારણ વધેલા ભાવો છે.અન્ય રાજ્યોના ઉદ્યોગસાહસિકો પણ મોંઘી કિંમતે જરી ખરીદવાનો ઇનકાર કરી રહ્યા છે. સુરતમાં જરીના 2000 જેટલા કારખાના છે, પરંતુ હાલમાં માત્ર 400 ફેક્ટરીઓ જ ઉત્પાદન કરી રહી છે. સાથે સાથે યુદ્ધના કારણે વાહનના ભાવમાં થયેલા વધારાને કારણે રફ લૂપ્સના ભાવમાં વધારો થતાં કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગને પણ અસર થઈ છે.