Gujarat

ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા

By GS TEAM
25 Mar 20262 mins read
ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા

ક્રિકેટનો બોલ વાગતા બે જૂથ વચ્ચે અથડામણમાં થઇ હતી

અથડામણમાં એક શખ્સે હવામાં ફાયરિંગ કરતા ગામ સ્થિતિ તંગ બની હતી ઃ પોલીસે આઠ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો

બગોદરાધોળકા તાલુકાના ઇંગોલી ગામમાં રવિવારે સાંજે ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં લાકડીઓ અને બેટ વડે હુમલો કરવા ઉપરાંત રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. 

પોલીસ ફરિયાદ અનુસાર, ઇંગોલી ગામના બસ સ્ટેન્ડ નજીક અલ્ફેજખાન પઠાણ અને અન્ય યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન દડો આરોપી અલબક્ષખાન પઠાણને વાગતા મામલો બિચક્યો હતો. આરોપીએ ઉશ્કેરાઈને અલ્ફેજખાનના હાથમાંથી બેટ ઝૂંટવી તેના માથામાં ફટકારી દીધું હતું. 

ઝઘડાએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા અન્ય આરોપીઓ લાકડીઓ, રિવોલ્વર અને ડબલ બેરેલ બંદૂક જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ દરમિયાન આરોપી વાહીદખાન મજીદખાન પઠાણે ફરિયાદી મયુદ્દીનખાન પઠાણને જાનથી મારી નાખવાના ઈરાદે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. જોકે, હાજર સાહેદ સરોજખાન પઠાણે સમયસૂચકતા વાપરી આરોપીનો હાથ ઊંચો કરી દેતા ગોળી હવામાં ચાલી ગઈ હતી અને મોટી જાનહાનિ ટળી હતી. 

આ મામલે મયુદ્દીનખાન પઠાણની ફરિયાદના આધારે એક શખ્સને દબોચ્યો હતો જ્યારે ફાયરિંગ કરનાર વાહીદખાન મજીદખાન પઠાણ સહિતના અન્ય આરોપી ફરાર હતા. ત્યારે આજે પોલીસે પકડવાના બાકી  (૧) અલબક્ષખાન પઠાણ (૨) અરબજખાન પઠાણ (૩) મોઇજખાન પઠાણ (૪) મજીદખાન પઠાણ, (૫) નબીખાન પઠાણ (૬) ઈમદાદખાન પઠાણ (૭) નજીરખાન પઠાણ (૮) વાહીદખાન મજીદખાન પઠાણ (તમામ રહે. ઈંગોલી ગામ,તા. ધોળકા)ને ધોળકા રૃલર પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.