Get The App

હાદાનગરમાં 8 શખ્સે મહિલાની છેડતી કરી પરિવારને ધમકી આપી

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
હાદાનગરમાં 8 શખ્સે મહિલાની છેડતી કરી પરિવારને ધમકી આપી 1 - image

હથિયારો સાથે આવેલા ટોળાએ ઉધમ મચાવ્યું, કાયદો વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ

ઘરમાં છૂટ્ટા પથ્થર, સોડા બોટલના ઘા કર્યાં, યુવકને ધારિયું મારી ધમકી આપી

ભાવનગર -  શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો પુરાવો આપતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના હાદાનગર વિસ્તારમાં મહિલાની છેડતી કરવા મુદ્દે સમજાવવા જતાં આઠ શખ્સોએ મહિલાના ઘરે ધારિયા, ધોકા સાથે આવી હુમલો કરી અપશબ્દો કરી પરિવારના એક યુવકને ધારિયું માર ઈજા કરી તથા મહિલાની છેડતી કરી અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા યુવકના માતા બજારમાં વસ્તુ લેવા જાય ત્યારે હરેશ ઉર્ફે ભાકો અને હર્ષદ રમેશભાઈ ચૌહાણ નામના શખ્સો અપશબ્દો બોલી છેડતી કરતા હોવાથી યુવકે બે દિવસ પૂર્વે તેમને સમજાવવા ગયો હતો. તેની દાઝે ગતરોજ બપોરના સમયે હરેશ ઉર્ફે ભાકો ગોવિંદભાઈ પરમાર, રાહુલ હરેશ પરમાર, હર્ષિલ હરેશભાઈ પરમાર, હર્ષદ રમેશભાઈ ચૌહાણ, વિરલ રમેશભાઈ ચૌહાણ, હાદો ઉર્ફે દેરી, અમીત ડાભી અને ચમો ઉર્ફે ઓઢી નામના શખ્સો ધારિયા, ધોકા અને સોડા બોટલ જેવા હથિયારો સાથે યુવકના ઘર પાસે ધસી આવી ઘર બહાર પડેલી કાર, બાઈકને નુકસાન કરી, યુવકના ઘરમાં સોડા બોટલ અને છૂટ્ટા પથ્થરોના ઘા કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. તેમજ હરેશ ઉર્ફે ભાકાએ યુવકના માતાની છેડતી કરી હર્ષદે બાવડુ પકડી નીચે પછાડી દીધાં હતા તેમજ યુવકના ભાઈને વિરલ ચૌહાણે ધારિયુ મારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.