Get The App

AMTS-BRTS પહેલેથી જ ખોટમાં છે, તો પણ સિંગલ ટિકિટ સિસ્ટમ માટે રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ એક જ પાર્ટીને

ખર્ચ ઘટાડવાને બદલે કોના દબાણમાં આવો નિર્ણય લેવાયો તે ચર્ચાનો વિષય

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
AMTS-BRTS પહેલેથી જ ખોટમાં છે, તો પણ સિંગલ ટિકિટ  સિસ્ટમ માટે રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ એક જ પાર્ટીને 1 - image

Ahmedabad AMTS and BRTS Pass News : અમદાવાદમાં હવે એ.એમ.ટી.એસ અને બી.આર.ટી.એસ.ના મુસાફરો એક જ ટિકિટ માં મુસાફરી કરી શકે એવી વ્યવસ્થા કરાઈ રહી છે. આ સિંગલ ટિકિટ સિસ્ટમથી જાહેર પરિવહન સેવામાં વધારો થશે એવું મ્યુનિસિપલ કોર્પોરેશનનું માનવું છે. આ બંને સેવામાં હાલ રોજના છ લાખ લોકો મુસાફરી કરે છે. આ સ્થિતિમાં એમનેકસ ઈન્ફો ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડને કંપનીને રોજના રૂ. 11 લાખ લેખે 12 વર્ષ માટે રૂ. 470 કરોડ સમગ્ર સિસ્ટમનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવા કયા કારણથી અપાયું તેનો જવાબ પણ તંત્ર પાસે નથી. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુરુવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સિંગલ ટિકિટ સિસ્ટમની દરખાસ્ત મંજૂર કરાતા વિવાદ સર્જાયો છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને બીઆરટીએસ બંનેમાં રોજ સરેરાશ છ લાખ લોકો મુસાફરી કરે છે. આ બંને બસ સર્વિસ ચલાવવા કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયા લોન કે ગ્રાન્ટ પેટે ચૂકવે છે. એએમટીએસની સાથે બીઆરટીએસ પણ કોર્પોરેશન તરફથી દર મહિને અપાતી લોનના આધારે જ ચલાવાઈ રહી છે. દર મહિને કરોડોની ખોટ કરતી આ બંને સેવાના દેવાના ભારણને હળવું કરવાના બદલે શાસકોએ એક કંપનીને આટલી જંગી રકમનો કોન્ટ્રાકટ કોના દબાણથી કે કયા કારણથી આપી દીધો તેનો પણ તેઓ પાસે ન હતો. કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની હજુ પાંચ વર્ષની વાર છે અને છતાં ડિજિટલ મોડ પર ટિકિટ મૂકી દેવાશે, તો બંને સેવા માટે છાપવામાં આવેલી પ્રિન્ટેડ ટિકિટોનું શું કરાશે એ પણ એક પ્રશ્ન છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના કહેવા પ્રમાણે, આ કામ માટે બે કંપનીએ ઓફર કરી હતી, જેમાં આ કંપનીનો ભાવ ઓછો હોવાથી તેનું ટેન્ડર મંજૂર કરાયું છે.

બસમાં મુસાફરી કરનારો ગરીબ-મધ્યમ વર્ગ ડિજિટલ ટિકિટ કેવી રીતે લેશે?

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડિજિટલ ટિકિટિંગની વાત કરી રહ્યા છે, પરંતુ એએમટીએસ-બીઆરટીએસ બસોમાં મુસાફરી કરનારો બહુ મોટો વર્ગ વૃદ્ધો, શ્રમિકો અને મહિલાઓ-બાળકોનો છે. આ પૈકી હજારો લોકો મોબાઈલમાં નાનકડી રકમનું પ્રિપેડ ચાર્જ કરાવે છે. આટલું મોટું ટેન્ડર મંજૂર કરતા પહેલા આ વાતનો વિચાર કેમ ના કરાયો?

એટલું જ નહીં, આ પ્રોજેકટ શરુ થતા એક વર્ષનો સમય જશે. ત્યાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે દાવો કરે છે કે, ભવિષ્યમાં એસ.ટી. અને મેટ્રો સહિતની સેવાઓને પણ આ યોજના હેઠળ સાંકળી લેવાશે. કાલે શું થશે એ કોઈ જાણી શકતું નથી. છતાં હવાઈ કિલ્લા બંધાય છે.

AMTS અને BRTS કરોડો રૂપિયાના બોજ હેઠળ

એએમટીએસ ચલાવવા કોર્પોરેશન તરફથી છેલ્લા વીસ વર્ષમાં રૂ. 6,000 કરોડની રકમ લોન પેટે અપાઈ છે. આમ, એએમટીએસ માટે કોર્પોરેશન દર વર્ષે રૂ. 360 કરોડની લોન આપે છે. એવી જ રીતે, બીઆરટીએસ માટે દર વર્ષે અંદાજે રૂ. 60 કરોડ લોન પેટે અપાય છે. આ બાબતથી શાસકો વાકેફ હોવા છતાં કયા કારણથી કરોડોનું ટેન્ડર મંજૂર કરાયું એ સમજાતું નથી.