Vadodara Corporation E Bus : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલ બચાવવા કરેલી અપીલ છતાં તંત્ર દ્વારા યોગ્ય પ્રતિભાવ નહીં અપાતો હોવાનું લાગી રહ્યું છે. વડોદરામાં એક મહિના અગાઉ આવેલી સાત ઇ-બસ હજી સુધી રોડ રસ્તા પર દોડતી થઈ નથી. જ્યારે બીજી બાજુ સીટી બસના ડીઝલના ધુમાડા થઈ રહ્યા છે. ઈ-બસ શહેરના રોડ રસ્તા પર ક્યારથી દોડતી થશે એ અંગે હજી કોઈ ચોક્કસ તારીખ-સમય જાહેર થયા નથી. હજી લાગે છે કે વડાપ્રધાનની અપીલ વડોદરા પાલિકા તંત્રના બહેરા કાને હજી સંભળાઈ નથી. આ અંગેનું રહસ્ય એ છે કે, વડોદરામાં હજી યોગ્ય પ્રમાણમાં ચાર્જિંગ સ્ટેશનો શરૂ થયા નથી. આમ વડાપ્રધાનની અપીલ તંત્રના અને ક્યારે સંભળાશે એ પણ નક્કી નથી.
ઉલ્લેખનીય છે કે, પાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હતા ત્યારે શહેરમાં નવી 7 ઈ-બસનું શહેરમાં આગમન થયું હોવાની જોરશોરથી જાહેરાતો થઈ હતી. પરંતુ આ નવી ઈ-બસ રોડ રસ્તા પર ક્યારે દોડતી થશે એ અંગે હજી સુધી તંત્ર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલની બચત કરવા તાજેતરમાં ગત સપ્તાહે વડોદરા આવ્યા હતા. આ અગાઉ તેમણે પેટ્રોલ ડીઝલની બચત અંગે દેશભરમાં જાહેર અપીલ કરી હતી.
જ્યારે બીજી બાજુ પાલિકા તંત્ર પાસે છેલ્લા એક મહિના અગાઉથી 7 ઇ-બસ ધૂળ ખાઈ રહી છે. શહેરના રોડ રસ્તા પર નવી ઈ બસ જોવા અને આવી એર કન્ડિશન બસમાં મુસાફરી કરવા માટે લોકો થનગની રહ્યા છે. આમ છતાં પણ હજી નવી આવેલી તમામ 7 ઇ-બસ હજી ધૂળ ખાતી પડી ગઈ છે.
આ તમામ ઈ-બસની ધૂળ ખાવાનું મુખ્ય કારણ એવું જાણવા મળ્યું છે કે, ચાર્જિંગ સ્ટેશનનો અભાવ છે. શહેરમાં માત્ર ગોત્રી વિસ્તારમાં જ એક ઈ-ચાર્જિંગ સ્ટેશન છે. હવે જ્યારે અન્ય ઈ-ચાર્જિંગ સ્ટેશન શહેરમાં શરૂ કરવાના ચક્રો ગતિમાન થયા છે. પરંતુ પૂરતા પ્રમાણમાં ઈ-ચાર્જિંગ સ્ટેશનો નહીં થાય ત્યાં સુધી શક્ય છે કે ઈ-બસની ઇન્તઝારી કરતા અને મુસાફરી કરવા થનગનતા મુસાફરો તંત્ર તરફથી સત્વરે કોઈ જાહેરાત થાય એવું ઈચ્છી રહ્યા છે.
જોકે વડાપ્રધાને કરેલી પેટ્રોલ ડીઝલની બચત બાબત પાલિકા તંત્રને ક્યારે સંભળાશે એ બાબતે અનેક ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.


