Gujarat

દહેગામના રામનગરમાં બંધ મકાનનું તાળું તોડી ૭.૬૨ લાખની ચોરી

By GS TEAM
14 Dec 20252 mins read
દહેગામના રામનગરમાં બંધ મકાનનું તાળું તોડી  ૭.૬૨ લાખની ચોરી

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ દેખા દીધી

વૃદ્ધ પિતાની સારવાર માટે મકાન બંધ કરીને પરિવાર નરોડા ગયો હતો તે દરમિયાન ચોરીની ઘટના ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામના રામનગરમાં પરિવાર મકાન બંધ કરીને વૃદ્ધ પિતાની સારવાર માટે નરોડા ના મકાન ખાતે ગયો હતો તે દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૭.૬૨ લાખ રૃપિયાની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ વધી રહ્યા છે ત્યારે દહેગામમાં ફરીવાર તસ્કરોએ દેખા દીધી છે. પરિવાર તેમનું મકાન બંધ કરીને નરોડા ખાતેના મકાનમાં સીફ્ટ થયો હતો તે દરમિયાન તસ્કરોએ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ દહેગામના રામનગરના રહેવાસી અને હાલ અમદાવાદના નરોડામાં સારથી બંગલોઝ ખાતે રહેતા ચંદ્રકાંતભાઈ પ્રભુદાસ પટેલ ખેતી કામ કરે છે. તેમના માતા-પિતા રામનગર ખાતે જ રહેતા હતા પરંતુ તેમના પિતાની તબિયતના ના દૂરસ્થ હોવાથી છેલ્લા ચાર દિવસથી રામનગરનું મકાન બંધ કરીને માતા-પિતાને નરોડા લઈ ગયા હતા. ગત શુક્રવારના રોજ તેઓ રામનગર ખાતેના મકાને આવ્યા હતા અને તાળું મારીને નરોડા ગયા હતા. દરમિયાનમાં ગઈકાલે સવારના સમયે તેઓ રામનગર ખાતે પરત ફર્યા ત્યારે તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું અને દરવાજો અડધો ખુલ્લો હતો. જેથી ઘરમાં જઈને તપાસ કરતા સામાન વેર વિખેર હાલતમાં પડયો હતો અને તિજોરી પણ ખુલ્લી હતી. તપાસ કરતાં ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૭.૬૨ લાખ રૃપિયાની ચોરી થઈ ગઈ હતી. જેથી આ ઘટના સંદર્ભે દહેગામ પોલીસના જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.