68 GAS Officers And Mamlatdars Transfers : ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન અને વહીવટી પારદર્શિતા માટે મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. 4 એપ્રિલ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, GAS કેડરના 34 અધિકારીઓ અને 34 મામલતદારો મળી કુલ 68 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી
સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય મુજબ, બદલી કરાયેલા તમામ અધિકારીઓને જે-તે જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે ખાસ ચૂંટણી સંચાલન માટે મંજૂર કરાયેલા હંગામી મહેકમ પર મૂકવામાં આવ્યા છે. ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1ના 34 અધિકારીઓ મુખ્યત્ત્વે જિલ્લા કક્ષાએ ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખશે. મામલતદારો, વર્ગ-2 સંવર્ગના 34 મામલતદારોને સંબંધિત જિલ્લાઓમાં 'મામલતદાર (ચૂંટણી)' તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે.
આ તમામ અધિકારીઓ પોતાની નવી ચૂંટણીલક્ષી જવાબદારીની સાથે સાથે પોતાની હાલની જગ્યાનો વધારાનો હવાલો પણ સંભાળશે.






