Gujarat

અમદાવાદ: ઈસનપુરમાં વિઝાના બહાને 6.99 લાખની ઠગાઈ

By GS Team
22 Mar 20222 mins read
This article was originally published on 22 Mar 2022
અમદાવાદ: ઈસનપુરમાં વિઝાના બહાને 6.99 લાખની ઠગાઈ

અમદાવાદ, તા. 22 માર્ચ 2022 મંગળવાર

અમદાવાદના ઈસનપુર ખાતે વિઝાના બહાને 6.99 લાખની ઠગાઈ થઈ હોવાનુ સામે આવ્યુ છે. 

બનાવની વિગત અનુસાર યુકેમાં નોકરી તેમજ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવાનો વિશ્વાસ અપાવીને આઠ લોકોના 6.99 લાખ રૂપિયા તેમજ પાસપોર્ટની નકલ, એજ્યુકેશન ડોક્યુમેન્ટસની નકલ આપી હોવા છતાં વિઝાનુ કામ ના કરી છેતરપિંડી કરી હોવાનુ બહાર આવ્યુ છે. ઘટનાનો ભોગ બનનાર 42 વર્ષીય રાકેશકુમાર અશોકકુમાર શાહ કન્સ્લટીંગનો ધંધો કરે છે તેમજ ઘોડાસરમાં રહે છે. 

આશરે એક મહિના પહેલા મૃગેશભાઈ અજીતકુમાર પટેલે રાકેશકુમારના મોબાઈલ ફોન ઉપર ફોન કરીને જણાવેલુ કે રાકેશભાઈ મારે તમને વિઝાના કામ માટે મળવુ છે જેથી તેમણે જણાવ્યુ કે તમે મારી ઓફિસ આવીને મળો આપણે વાતચીત કરી લઈએ જેથી બીજા દિવસે ઓફિસ પર મળવા માટે આવ્યા હતા અને જણાવ્યુ હતુ કે હુ યુકેમાં એક કંપનીમાં નોકરી કરુ છુ અને હુ દર વર્ષે અમારી કંપનીમાં માણસોની જરૂરિયાત હોવાથી ઈન્ડિયામાં આવુ છુ અને બધાને યુકેમાં મારી કંપનીમાં નોકરી અપાવુ છુ. બધાને રહેવા-જમવાની વ્યવસ્થા તેમજ એક કલાકના સાડા સાત પાઉન્ડ સેલરી અપાવીશ અને જો પતિ-પત્ની હશે તો પતિને એક કલાકના સાડા આઠ પાઉન્ડ સેલેરી તેમજ તેની પત્નીને સ્ટારબગ કંપનીમાં નોકરી અપાવીશ તેવુ જણાવીને વિશ્વાસમાં લીધા હતા તેમજ કહ્યુ કે તમે મને યુકે જવા માગતા હોય તેવા ક્લાઈન્ટ શોધી આપો અને ત્યારબાદ તેઓ રાકેશભાઈની ઓફિસે આવતા હતા તેમણે તેમની ઉપર વિશ્વાસ કરીને ઓફિસે યુકે જવા માગતા આઠ અલગ-અલગ ક્લાઈન્ટનુ વિઝાનુ તેમજ યુકેમાં નોકરીનુ કામ આપેલુ હતુ અને આ કામ પેટે ક્લાઈન્ટ પાસેથી રૂપિયા લઈને તે રૂપિયામાંથી મૃગેશ અજીતકુમાર પટેલને 22 ફેબ્રુઆરી 2022ના રોજ રૂપિયા 30,000 આર.ટી.જી.એસ કરીને આપ્યા હતા ત્યારબાદ તા. 23 ફેબ્રુઆરી 2022ના રોજ 60,000 ગુગલ પે કર્યા હતા તેમજ 2 માર્ચ 2022ના રોજ 3,60,000 રૂપિયા આર.ટી.જી.એસ કર્યા હતા તથા 1,59,000 રૂપિયા આર.ટી.જી.એસ કર્યા હતા અને 90,000 રૂપિયા આર.ટી.જી. એસ કર્યા હતા એમ કુલ 6,99,000 રૂપિયા મૃગેશ પટેલને આપ્યા હતા અને આ તમામ આઠ લોકોના પાસપોર્ટની નકલ તેમજ તેમના એજ્યુકેશન ડોક્યુમેન્ટસની નકલ મૃગેશ પટેલને આપી હતી અને મૃગેશ પટેલે મને 10 માર્ચ 2022ના રોજ બધા જ લોકોને કંપનીનો ઓફર લેટર તેમજ વી.એફ.એસની એપોઈન્ટમેન્ટ તેમજ જે કંપનીમાં નોકરી કરવાની છે તે કંપનીનો ટી.આર. -2 નો કોન્ટ્રાક્ટ આપવાનો વાયદો કર્યો હતો. જોકે અત્યાર સુધી મૃગેશ પટેલે સમય મર્યાદામાં કામ કર્યુ નહીં જેથી રાકેશભાઈએ મૃગેશ પટેલ વિરૂદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.