Gujarat

૧૬ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા ૫૮ વર્ષના આરોપીને ૨૦ વર્ષની કેદ

By GS TEAM
24 Dec 20251 min read
૧૬ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા ૫૮ વર્ષના આરોપીને ૨૦ વર્ષની કેદ

વડોદરા : ગોરવા વિસ્તારમાં આવેલા એક ફ્લેટના બેઝમેન્ટમાં ૧૬ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ કસુરદાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. ન્યાયાધીશે પીડિતાને વળતર પેટે રૃા.૩ લાખનું વળતર મળે તે માટે ચુકાદાની એક નકલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને આપવાનો પણ આદેશ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, ગોરવા વિસ્તારમાં રહેતા મહિલા સાંજના સમયે તેમના ઘરે ગયા તે સમયે તેમની દીકરીને તેમણે બેઝમેન્ટમાંથી આવતા જોઇ હતી એટલે તેમણે દીકરીને તુ કેમ બેઝમેન્ટમાં ગઇ હતી તેમ પૂછતા કિશોરીએ જણાવ્યું હતું કે, અશોક રામાભાઇ પરમાર (ઉ.વ.૫૮) નામનો શખ્સ તેને બેઝમેન્ટમાં લઇ ગયો હતો અને ત્યાં તેણે કારની આડશમાં અડપલા કર્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીએ આ વાત કોઇને કરીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આ બનાવ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ પી.સી.પટેલે દલીલો કરી હતી. ન્યાયાધીશે દલીલો તેમજ પુરાવાને ધ્યાને લઇ આરોપી અશોક પરમારને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૃા.૫ હજારનો દંડ કરી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો.