Gujarat

નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા

By GS TEAM
18 Feb 20262 mins read
નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા

- વેટરનરી ડૉક્ટર દ્વાર તપાસ કરાતા ગૌમાંસ હોવાની પુષ્ટિ થઈ

- રૂપિયા 38,505 નો મુદ્દામાલ જપ્ત : ગાય લાવીને તેનું કતલ કરતા હોવાની ઝડપાયેલા શખ્સોની કબૂલાત 

નડિયાદ : નડિયાદ શહેરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલા કસાઈવાડામાં પોલીસે બાતમીના આધારે એક રહેણાંક મકાન પર દરોડો પાડી ગેરકાયદેસર કતલ કરાયેલા ૩૬૦ કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડયો છે. આ કામગીરી દરમિયાન પોલીસે બે પુરૂષ અને ત્રણ મહિલાઓ સામે ગુનો નોંધી કુલ ૩૮,૫૦૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.

નડિયાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગૌવંશના અવશેષો મળી આવવાની ફરિયાદો ઉઠી હતી, જેને પગલે પોલીસ અધિક્ષક દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન નડિયાદ ટાઉન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, પાંચ હાટડી વિસ્તારમાં રહેતો મહંમદસલીમ ગુલામહુસેન કુરેશી પોતાના ઘરે પશુ લાવીને તેની કતલ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી ઉક્ત મકાન પર દરોડો પાડયો હતો. પોલીસ જ્યારે મકાનમાં પ્રવેશી ત્યારે ઓસરીના ભાગે પશુના માંસના અવશેષો, લોહીવાળું દોરડું અને ચામડું મળી આવ્યું હતું. સ્થળ પર હાજર મહંમદસલીમ ઉર્ફે શબ્બીર પીંકી કુરેશી અને મોહમંદરફીક ગુલામહુશેન કુરેશીની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે મકાનના ઉપરના માળે તપાસ કરતા એક રૂમમાંથી પશુના માંસના ટુકડા, માથું, ફેફસાં અને હૃદયનો ભાગ મળી આવ્યો હતો.

વેટરનરી ડોક્ટરને સ્થળ પર બોલાવી તપાસ કરાવતા આ જથ્થો ગૌમાંસ હોવાનું પુષ્ટિ થઈ હતી. તપાસ દરમિયાન મકાનના નીચેના ભાગમાં રૂકશાનાબાનુ અબ્દુલકાદર કુરેશી, અતિફાબાનુ મોઇનહુશેન કુરેશી અને અફરોજાબાનુ જાવેદહુસેન કુરેશી નામની ત્રણ મહિલાઓ ગૌમાંસના ટુકડા સગેવગે કરવાનો પ્રયાસ કરતી ઝડપાઈ હતી. પોલીસે સ્થળ પરથી ૩૬૦ કિલો ગૌમાંસ, પાંચ મોટા છરા, પાંચ છરીઓ, વજનકાંટા અને મોબાઈલ ફોન સહિતનો સામાન જપ્ત કર્યા છે. પકડાયેલા શખ્સોએ કબૂલાત કરી હતી કે, તેઓ ગાય લાવીને તેનું કતલ કરતા હતા. પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરી છે.