Get The App

6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સૌથી વધુ સુરતમાં વરસાદ, 5 જિલ્લામાં મેઘમહેરની IMDની લેટેસ્ટ આગાહી

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સૌથી વધુ સુરતમાં વરસાદ, 5 જિલ્લામાં મેઘમહેરની IMDની લેટેસ્ટ આગાહી 1 - image

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC), ગાંધીનગરના અહેવાલ અનુસાર, આજે (22મી જૂન) સવારે 6થી 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં દક્ષિણ ગુજરાતના 29 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ વરસાદને પગલે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા પણ આજે (22મી જૂન) સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સૌથી વધુ સુરતમાં વરસાદ, 5 જિલ્લામાં મેઘમહેરની IMDની લેટેસ્ટ આગાહી 2 - image


વલસાડ અને સુરતમાં સાર્વત્રિક વરસાદ, આરેથ અને વલસાડ મોખરે

આજના વરસાદી આંકડા પર નજર કરીએ તો વલસાડ અને સુરત જિલ્લામાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન થયા છે. વલસાડ તાલુકામાં 4 કલાકમાં સૌથી 1.18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરતના આરેથ તાલુકામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપી અને નવસારી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. જ્યારે સૌથી વધુ સુરત જિલ્લામાં ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ ખાબક્યો હતો જે સૌથી વધુ છે. 

આ પણ વાંચો: ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત


ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત

સવારના ઑફિસ અને શાળાના સમયે જ શરૂ થયેલા વરસાદને કારણે સુરત સિટી અને વલસાડના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક સ્થળે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ખેડૂતો માટે આ વરસાદ વાવણી લાયક સાબિત થતાં કૃષિ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

રાજ્યના આ જિલ્લામાં ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર, સોમવારે (22મી જૂન) સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ રહેશે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વહીવટી તંત્રને સતર્ક રહેવા અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. જ્યારે  સૌરાષ્ટ્ર અને મધ્ય-પૂર્વ ગુજરાતના અમરેલી, ભાવનગર, બોટાદ, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને દીવમાં હળવા વરસાદની શક્યતા સાથે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં તોફાની કરંટ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, ગુજરાતને સ્પર્શતા અરબી સમુદ્ર અને સોમાલિયા તટની આસપાસ આગામી 5 દિવસ દરમિયાન પવનની ગતિ અતિ જોખમી સ્તરે પહોંચી શકે છે. દરિયામાં પવનની સામાન્ય ગતિ 40થી 55 કિમી પ્રતિકલાક રહેશે, જે કેટલાક સમય માટે ઝટકા સાથે વધીને 60થી 65 કિમી પ્રતિકલાકની ઝડપ પકડી શકે છે. આ સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધશે અને સમુદ્રમાં ભારે કરંટ (ઊંચા મોજા) ઉછળશે.

માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ

સમુદ્રમાં સર્જાનારી આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાતના તમામ નાના-મોટા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. જે માછીમારો હાલ દરિયામાં છે તેમને તાત્કાલિક સુરક્ષિત કિનારે પરત ફરી જવા અને બંદરો પર બોટ સુરક્ષિત જગ્યાએ બાંધવા તાકીદ કરાઈ છે.

ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું

હવામાન નિષ્ણાતોના વિશ્લેષણ અનુસાર, ચોમાસું હાલ ધીમે-ધીમે તેની ગતિ પકડી રહ્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રના વધુ વિસ્તારોને આવરી લે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. જોકે, ગુજરાતના બાકીના ભાગોમાં ચોમાસાના સાર્વત્રિક અને વ્યાપક પ્રવેશ માટે હજુ પણ રાજ્યના નાગરિકોએ થોડી રાહ જોવી પડશે.