Gujarat

દહેગામના કનીપુર ગામે તસ્કરોનો તરખાટ બંધ મકાનમાંથી રૃ. ૪.૪૪ લાખની ચોરી

By GS TEAM
28 Nov 20252 mins read
દહેગામના કનીપુર ગામે તસ્કરોનો તરખાટ બંધ મકાનમાંથી રૃ. ૪.૪૪ લાખની ચોરી

શિયાળો શરૃ થતાની સાથે તસ્કરોનો પ્રવેશ

પરિવાર વતનમાં ગયો તે દરમિયાન તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું ઃ પોલીસે શોધખોળ આદરી

ગાંધીનગર:  દહેગામ તાલુકાના કનીપુર ગામે મકાન માલિક નાઈટ શિફ્ટમાં નોકરી પર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૃ. ૪,૪૪ લાખની મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શિયાળો શરૃ થતાની સાથે જ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે તસ્કરોએ દેખા દઈ દીધી છે. ત્યારે દહેગામના કનીપુર ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તેલનાર ગામના અને હાલ દહેગામના કનીપુર ગામે સ્વામીનારાયણ ખડકીમાં રહેતા નરેન્દ્રકુમાર કાન્તીભાઈ પટેલ ખાનગી કંપનીમાં ફિટર તરીકે નોકરી કરે છે. ગત બુધવારના રોજ તેમના પત્ની મરણ પ્રસંગે ભરૃચ ગયા હતા અને માતા-પિતા વતન તેલનાર ગયા હતા. નરેન્દ્રકુમાર કંપનીમાં તેમના રિલીવર બીમાર હોવાથી નાઈટ શિફ્ટ કરવા માટે રાત્રે ઘરના મુખ્ય દરવાજાને તાળું મારીને નોકરી પર ગયા હતા. જ્યારે તેઓ ગુરુવારના રોજ સવારે ૭ વાગ્યે પરત ફર્યા, ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો અને તિજોરીના અંદરના ખાના તૂટેલા હતા. તપાસ કરતા માલુમ પડયું કે તસ્કરો તિજોરીમાંથી રોકડ રૃ. ૮,૦૦૦ તથા સોનાનો દોરો, ઝુમ્મર બુટ્ટી, ફેન્સી બુટ્ટી, વીંટીઓ, ચુની, કાનની કળીઓ તેમજ ચાંદીના પાયલ અને બ્રેસલેટ જેવા દાગીના મળી ૪.૪૪ લાખની મત્તા ચોરી ગયા હતા. જેથી આ સંદર્ભે દહેગામ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.