Gujarat

જિલ્લામાં રસીકરણ ઝુંબેશના 391 દિવસ 86084 વ્યક્તિને પ્રથમ ડોઝ હજુ બાકી

By GS Team
12 Feb 20223 mins read
This article was originally published on 12 Feb 2022
જિલ્લામાં રસીકરણ ઝુંબેશના 391 દિવસ 86084 વ્યક્તિને પ્રથમ ડોઝ હજુ બાકી

મોડાસા,તા.11

અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરનો પ્રકોપ વર્તાય તે પૂર્વે ૧૬ જાન્યુઆરી-૨૦૨૧ ના દિવસથી કોવીડ-૧૯ રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો. આ રસીકરણ ઝુંબેશના ૩૯૧ દિવસોમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ નિદ્યારીત લક્ષ્યાંક ૮,૩૫,૩૯૫ વ્યક્તિઓ સામે ૭૪૬૩૧૧ વ્યક્તિઓને પ્રથમ જયારે ૭,૩૭,૬૮૬ વ્યક્તિઓને બીજો ડોઝ રસીનો પૂરો પાડી સરેરાશ ૯૪ ટકા લક્ષ્યાંક સિધ્ધ કરાયો છે. વિભાગ દ્વારા ૧૫ થી ૧૭ વર્ષના વયના કુલ ૬૮૬૫૬ કિશોર-કિશોરીઓ પૈકી ૬૯૨૮૭ ને પ્રથમ તો ૩૬૯૪૪ કિશોર કિશોરીઓને ૨૮ દિવસ બાદ બીજો ડોઝ આપી સુરક્ષિત કરાયા છે.

કોરોના વાયરસના સંક્રમણને નાથવા એકમાત્ર ઉપાય એવી રસીની ટૂંકાગાળામાં જ શોધ બાદ દેશભરમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી વ્યાપક રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો. અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ ૧૬ એપ્રિલ ૨૦૨૦ માં નોંધાયા બાદ જેટ ઝડપે વકરેલા આ સંક્રમણની પ્રથમ લહેરના ૩૨૩ દિવસોમાં જિલ્લામાં  ૯૧૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા.બીજી લહેરનો પ્રકોપ વર્તાય તે પૂર્વે જિલ્લામાં ૧૬ જાન્યુઆરીથી વ્યાપક પ્રમાણમાં જુદાજુદા સેન્ટરો ઉપરથી રસીકરણને વેગ અપાયો હતો. તે સમયે તત્કાલીન ઈન્ચાર્જ ડીએચઓ ર્ડા.કૌશલ પટેલે જિલ્લામાં પ્રથમ કોવીડ-૧૯ રસીનો ડોઝ મેળવી આ અભિયાન આરંભાયું હતું. આ અભિયાનના કુલ મળી ૩૯૧ દિવસમાં નિર્ધારીત કુલ લક્ષ્યાંક ૮,૩૫,૩૯૫ સામે આરોગ્ય વિભાગ દ્વારા ૭,૪૬,૩૧૧ વ્યક્તિઓને પ્રથમ,જયારે ૭,૩૭,૬૮૬ વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ પૂરો પડાયો છે.   રસીકરણ ઝુંબેશ દરમ્યાન આરોગ્ય વિભાગે પ્રથમ ડોઝમાં ૮૯ ટકા,બીજા ડોઝમાં ૯૯ ટકા મળી કુલ સરેરાશ ૯૪ ટકા લક્ષ્યાંક સિધ્ધિ પ્રાપ્ત કરી હતી. અરવલ્લી જિલ્લા કલેકટર ર્ડા.નરેન્દ્રકુમાર મીના,ડીડીઓ શ્વેતા તીવેટીયા ના માર્ગદર્શન અને ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ર્ડા.આર.જી.શ્રીમાળી ની રાહબરી હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા જુદીજુદી ટીમો કાર્યરત કરી જુદાજુદા સેન્ટરો ઉપરથી પ્રથમ હેલ્થ કેર વર્કર,બીજા રાઉન્ડમાં ફ્રન્ટ લાઈન વર્કર,ત્રીજા રાઉન્ડમાં ૪૫+ અને ત્યાર બાદ ૧૮+ રસીપાત્ર વ્યક્તિઓને રસીકરણથી આવરી લેવામાં આવ્યા હતા. ૩ જાન્યુ.૨૦૨૨ થી જિલ્લામાં ૧૫ થી ૧૭ વર્ષની વયના કુલ ૬૮૬૫૬ કિશોર-કિશોરી પૈકી ૬૯૨૮૭ ને પ્રથમ જયારે ૨૮ દિવસની નિદ્યારીત  મુદ્દત બાદ ૩૬૯૪૪ કિશોર-કિશોરીઓને રસીના બીજો ડોઝ આપી સંપૂર્ણ પણે સંક્રમણ સામે સુરક્ષા પૂરી પડાઈ હોવાનું જિલ્લાના એડીએચઓ અને નોડેલ ઓફિસર ર્ડા.કૌશલ પટેલે જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ આ રસીકરણ અભિયાન દરમ્યાન હેલ્થ કેર વર્કર,ફ્રન્ટ લાઈન વર્કરને બંને ડોઝ અને ૧૫ થી ૧૭ વર્ષની વયના કિશોર કિશોરીઓને પ્રથમ ડોઝનો લક્ષ્યાંક ૧૦૦ ટકા સિધ્ધ કરાયો હોવાનું અને આ કિશોર-કિશોરીઓને રસી આપવામાં સમગ્ર રાજયમાં અરવલ્લી અવલ્લ હોવાનું ર્ડા.કૌશલ પટેલે જણાવ્યું હતું.

જિલ્લામાં ૪૯૪૬૭ ને ત્રીજો પ્રીકોશન ડોઝ પૂરો પડાયો

જિલ્લામાં ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ થી ૭૭૪૯ હેલ્થ કેર વર્કર,૧૩૧૮૯ ફ્રન્ટ લાઈન વર્કર અને ૬૦ વર્ષથી વધુ વયના પરંતુ ગંભીર બીમારી ધરાવતા સીનીયર સીટીઝનોને કોવીડ-૧૯ રસીકરણનો ત્રીજો એટલે કે પ્રીકોશન ડોઝ આપવાની ઝુંબેશ આરંભાઈ હતી. આ ઝુંબેશ દરમ્યાન અત્યાર સુધીમાં ૪૯૪૬૭ રસીપાત્ર વર્કરો અને વૃધ્ધોને કોવીડ-૧૯ રસીનો ત્રીજો ડોઝ પણ અપાયો હોવાનું અભિયાનના નોડેલ ઓફિસર ર્ડા.કૌશલ પટેલે જણાવ્યું હતું.જોકે હજુ જિલ્લામાં ૮૬૦૮૪ વ્યક્તિઓએ રસીનો પ્રથમ ડોઝ પણ મેળવ્યો ન હોવાનું જણાઈ આવ્યું હતું.