Get The App

વાઘોડિયારોડની કોસમોસ બેન્કના લોકરમાંથી સોનાના ૩૫ તોલા દાગીના ગુમ

બેન્કમાં લોકર ધરાવતા એન.આર.આઇ. ગ્રાહક દીકરીના લગ્ન પ્રસંગે અમેરિકાથી વડોદરા આવ્યા હતા

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
વાઘોડિયારોડની કોસમોસ બેન્કના લોકરમાંથી સોનાના ૩૫ તોલા દાગીના ગુમ 1 - image

વડોદરા,વાઘોડિયા રોડની કોસમોસ બેન્કમાં એન.આર.આઇ. એકાઉન્ટ હોલ્ડરે લોકરમાં મૂકેલા સોનાના ૩૫ તોલા દાગીના ગુમ થઇ  ગયા છે. જ્યારે ચાંદીના દાગીના લોકરમાં જ છે. આ અંગે એન.આર.આઇ.એ બાપોદ  પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસ શરૃ કરી છે.

ચોર,લૂંટારાઓથી કિંમતી દાગીના બચાવવા માટે લોકો બેન્કમાં લોકર ખોલાવે છે. દાગીનાની સાચવણી માટે સૌથી સલામત ગણાતા બેન્ક લોકરમાંથી પણ દાગીના ગુુમ થવાની ઘટના બને છે. વાઘોડિયા રોડની પારૃલ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ શાહ હાલ અમેરિકા સ્થાયી થયા છે.  તેમણે જણાવ્યું છે કે, અમારૃં લોકર વાઘોડિયા રોડની કોસમોસ બેન્કમાં છે.ત્રણ દિવસ પછી  દીકરીનું લગ્ન હોઇ અમે અમેરિકાથી વડોદરા આવ્યા છે.આજે હું અને મારા  પત્ની કોસમોસ બેન્કના લોકરમાંથી દાગીના લેવા માટે ગયા હતા. લોકર ખોલતા જ મારી પત્નીને શંકા ગઇ કે, લોકરમાં છેડછાડ થઇ છે. એલ્યુમિનિયમની જે  પેટીમાં દાગીના મૂક્યા હતા. તે પેટીને મારેલું લોક નહતું. અમે ચેક કરતા લોકરમાં મૂકેલા સોનાના અંદાજે ૩૫ તોલા દાગીના ગુમ હતા. જ્યારે ચાંદીના દાગીના હતા. અમે બેન્કના મેનેજરને કહેતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો નહતો. અમે  છેલ્લે વર્ષ - ૨૦૨૪ માં લોકર ઓપરેટ કર્યું હતું. ત્યારબાદ લોકર અમે ખોલ્યું જ નથી. તો  પછી અમારા દાગીના કઇ રીતે ગાયબ થઇ  ગયા,  આ અંગે અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.  પોલીસે અરજીના આધારે તપાસ શરૃ કરી છે.


બેન્કના લોકર રૃમમાં સીસીટીવી કેમેરા નથી

વડોદરા,

એન.આર.આઇ. નરેન્દ્રભાઇએ લોકરમાંથી સોનાના દાગીના ગુમ થવાના બનાવની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૃ કરી છે. આ લોકર છેલ્લે ક્યારે ઓપરેટ થયું, તેની વિગતો પોલીસે બેન્ક પાસે માગી છે. બેન્કના લોકર રૃમમાં સીસીટીવી કેમેરા નથી.  પરંતુ, બેન્કમાં અન્ય સ્થળે સીસીટીવી કેમેરા છે. તેના ફૂટેજની પણ પોલીસે બેંક  પાસે માગણી કરી છે.



અગાઉ પણ બે કિસ્સા બન્યા છે

ઇન્ડસઇન્ડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના લોકરમાંથી દાગીના ગુમ થયા હતા

વર્ષ - ૨૦૧૯ માં પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પણ કોઇ આરોપી મળ્યો નથી

 વડોદરા,

તરસાલી સોમનાથ પાર્ક સોસાયટીમાં રહેતા રિતેશભાઇ ગઢિયાએ વર્ષ -  ૨૦૧૯માં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, ઇન્ડસઇન્ડ બેંકના લોકરમાંથી મારા ૧૯.૫૦ તોલા વજનના સોનાના દાગીના ચોરી  થયા છે. તેમજ અન્ય એક ગ્રાહક જય  પંચાલના પણ લોકરમાંથી દાગીના ગુમ થયા છે. આ ફરિયાદમાં હજી કોઇ આરોપી પકડાયો નથી. જ્યારે બીજો કિસ્સો લાલબાગની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો હતો. જેમાં માંજલપુરની દેવર્ષિ પાર્ક સોસાયટીમાં રહેતા ટેક્સ કન્સલ્ટન્ટ ભરત મણીલાલ સ્વામીના લોકરમાંથી સોનાના ૫૦ તોલા વજનના દાગીના ગુમ થયા હતા. જે અંગે પણ તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં  વર્ષ - ૨૦૨૨ માં અરજી આપી હતી. પરંતુ,તેમાં  પણ કંઇ થયું નથી.