Gujarat

રાજકોટમાં ડ્રાયફ્રુટનું પ્રોસેસ કરતી પેઢીમાંથી 325 કિલો અખાદ્ય બદામનો જથ્થો પકડાયો

By GS TEAM
18 Oct 20252 mins read
રાજકોટમાં ડ્રાયફ્રુટનું પ્રોસેસ કરતી પેઢીમાંથી 325 કિલો અખાદ્ય બદામનો જથ્થો પકડાયો

રવિરત્ન પાર્ક નજીક ગોકુલ એન્ટરપ્રાઈઝ નામી પેઢીમાં મનપાનું ચેકિંગ

રૂા. 2 લાખની કિંમતનો સડેલો બદામનો જથ્થો નુકશાન કર્તા હોવાનો ધંધાર્થીનો એકરાર : મનપા દ્વારા અખાદ્ય જથ્થાનો નાશ કરી નોટીસ અપાઈ

રાજકોટ: દિવાળીના તહેવારના દિવસોમાં લોકોના આરોગ્ય સામે ગંભીર પ્રકારના ચેડાં થઈ રહ્યાં હોય તેમ ભેળસેળવાળી ચીજવસ્તુઓ બજારમાં વેંચાતી રહી છે. અહીના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા રવિરત્નપાર્કમાં આવેલી ગોકુલ એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં મહાનગરપાલીકાએ ચેકિંગ કરતા સડેલો અને ખોરો થયેલો બદામનો જથ્થો મળી આવ્યો હતો. રૂા. 2 લાખની કિંમતનો ૩૨૫ કિલો ગ્રામ બદામનો જથ્થો મનવ આરોગ્ય માટે જોખમી હોવાનું જણાતા ત્વરીત સ્થળ ઉપર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં તહેવારો દરમિયાન મિઠાઈ, ફરસાણ સહિતની ચીજવસ્તુઓમાં હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ મિકસ કરીને ઉંચા ભાવે ગ્રાહકોને પધરાવી દેવામાં આવતી હોય છે. ગત સપ્તાહ દરમિયાન શહેરમાં મ્યુ કોર્પો.ની આરોગ્ય શાખા દ્વારા વ્યાપક ચેકિંગ હાથ ધરીને મીઠાઈ ફરસાણની જુદી જુદી ૫૧ દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતાં. સેમ્પલના લેબોરેટરી રીપોર્ટ આવે તે પહેલાં અહીના યુનિવર્સિટી રોડ ઉપર રવિરત્ન સોસાયટી શેરી નાં. ૨ કોર્નર, બ્લોક નાં. ઈ-૨૭૦ યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે ડ્રાયફ્રુટનું પ્રોસેસિંગ કરતી પેઢી ગોકૂલ એન્ટરપ્રાઈઝમાં તપાસ હાથ દરવામાં આવતા બદામનું કટીંગ પ્રોસેસિંગ કરવામાં આવતુ હોવાનું જાણવા મળ્યું હતું. જે બદામનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ જ કાણાવાળો - સડેલો અને ડેમેજ થયેલો હતો. ખોરો થઈ ગયેલો બદામનો જથ્થો અલગ અલગ બોરીઓમાં હોવાનું જણાતા તપાસનીસ અધિકારીઓને ૩૨૫ કિ.ગ્રા. બદામનો જથ્થો અખાદ્ય હોવાનું માલુમ પડયું હતુ.ં સ્થળ ઉપર હાજર ફૂડ બીઝનેશ ઓપરેટરે પણ આ બદામનો જથ્થો જન આરોગ્ય માટે નુકશાન કર્તા હોવાનો એકરાર કર્યો હતો. તેથી અખાદ્ય બદામના જથ્થાનો નાશ કરી યોગ્ય સ્ટોરેજ જાળવવા, હાઈજિનિક કન્ડિશન જાળવવા અને ઉત્પાદક તરીકે લાયસન્સ લેવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.