વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે 36.50 લાખની ઠગાઈમાં રાજકોટથી 3 યુવક પકડાયા

ઠગોએ વાપરેલા બેન્ક એકાઉન્ટમાં 8 કરોડના ટ્રાન્જેક્શન : સિનિયર સિટિઝનને વિશ્વાસમાં લેવા 1.20 લાખ પરત કર્યા, : 2.75 કરોડનું બેલેન્સ દેખાતું હતું
વડોદરા, રાજકોટ : વડોદરાના એક સિનિયર સિટિઝનને ફસાવી 36.50 લાખની છેતરપિંંડી કરવાના બનાવમાં પોલીસે રાજકોટ નજીકથી ત્રણ યુવકોને ઝડપી પાડયા છે.ઠગોએ જે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો,જેમાં 8 કરોડના ટ્રાન્જેક્શન મળી આવતાં તેની તપાસ હાથ ધરાઇ છે.
વાસણા-ભાયલી રોડ પર સ્પ્રિંગ કોમ્પ્લેક્સમાં રહેતા જોયસુબ્રતો સાથે ઠગોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટની લોભામણી વાતો કરી લિન્ક મોકલીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ રૂ. 36.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
ઠગોએ તેમને વિશ્વાસમાં લેવા માટે 1.20 લાખ પરત આપ્યા હતા અને બાકીની રકમ પરત કરતા નહતા.ઇન્વેસ્ટરના એકાઉન્ટમાં ૨.૭૫ કરોડનું બેલેન્સ દેખાતું હતું.પરંતુ આ રકમ ઉપાડવા માટે પણ 10 ટકા રકમની માગણી કરવામાં આવતી હતી.જેથી તેમણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં રાજકોટના એક બેન્ક એકાઉન્ટમાં રૂ. 1.70 લાખ ટ્રાન્સફર થયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી પોલીસે બેન્ક ખાતાની વિગતો મેળવી તેના ધારક જયરાજ મધુભાઈ ખુમાણ (નીલમ સિટિ, યુનિવર્સિટી રોડ,રાજકોટ) તેમજ આ એકાઉન્ટમાંથી રકમ બીજાને ટ્રાન્સફર કરવાની સવલત કરનાર સિધ્ધરાજ રાહુજીભાઈ રાઠોડ (અયોધ્યા નગર સોસાયટી, દિયોદર વાવ થરાદ)અને ધૃપલ દિનેશભાઈ પટેલ (અસ્થાનજી કમ્પાઉન્ડ, સુરત)ની ધરપકડ કરી છે.








