Get The App

ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા 3 યુવાનના મોત

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા 3 યુવાનના મોત 1 - image

અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રાન્સપોર્ટના વ્યવસાય માટે ત્રણ યુવાનો દિલ્હી ગયા હતા, પરત ભાવનગર આવતી વેળાએ અકસ્માત સર્જાયો

ભાવનગર - ભાવનગર-ધોલેરા રોડ પર આવેલા ભાલ પંથકના ભડભીડ ટોલનાકા નજીક આવેલ ખાડી નંબર-૩ના પુલ પાસે કન્ટેનર ચાલકે અચાનક બ્રેક મારતા દિલ્હીથી ટ્રાન્સપોર્ટના વ્યવસાયની કામગીરી પૂર્ણ કરી પરત ભાવનગર કાર લઈને આવી રહેલા ત્રણ યુવાનોની કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને કારનું કોકડું વળી ગયું હતું. કારમાં સવાર ત્રણ યુવાનને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેય યુવાનોના મોત નિપજ્યા હતા.

ભાવનગર શહેરના મીલીટરી સોસાયટી ખાતે રહેતા બલભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા (ઉ.વ.૪૭) અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયના ભાગીદારનો ભાવનગર શહેર ખાતે રહેતા વિરેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા (ઉ.વ.૪૩) તથા અમીપરા ખાતે રહેતા ઈમ્તિયાસભાઈ હારૃનભાઈ મલેક (ઉ.વ.૪૮) પોતાના ટ્રાન્સપોર્ટના કામ માટે કાર નંબર જીજે-૨૧-સીબી-૨૦૬૦ લઈને દિલ્હી ગયા હતા. દિલ્હી ખાતે પોતાનું કામ કાજ પૂર્ણ કરી પરત ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના એક વાગ્યાના અરસામાં ભાવનગર-ધોલેરા રોડ પર આવેલા ભાલ પંથકના ભડભીડ ટોલનાકા નજીક આવેલ ખાડી નંબર-૩ના પુલ પાસે પહોંચ્યા ત્યારે કન્ટેનર નંબર જીજે-૧૨-બીએક્સ-૫૫૭૫ ના ચાલકે અચાનક બ્રેક મારી હતી અને પાછળ આવી રહેલી કાર કન્ટેનર પાછળ ઘૂસી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની સ્પીડ હોવાને કારણે અકસ્માત સર્જાતા કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને કારમાં સવાર બલભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા અને ઈમ્તિયાસભાઈ હારૃનભાઈ મલેકના સ્થળ પરજ મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાંની સાથે વેળાવદર ભાલ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડયા હતા. આ બનાવ સંદર્ભે વેળાવદર ભાલ પોલીસ મથકમાં એએસઆઈ એચવી ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ એડી મકવાણાએ કેસ કાગળો અને પંચનામું કરી ભાલ પોલીસ મથકે સોંપ્યું હતું. આ બનાવ અંગે વીરપાલસિંહ સુરેન્દ્રસિંહ ચુડાસમાએ કન્ટેનર ચાલક વિરૃધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકના ફરિયાદ નોંધી આગળની તપાસ પીઆઇ ગૌર ચલાવી રહ્યા છે.

ભાવનગરની સર ટી.હોસ્પિટલે સગા સંબંધીઓ દોડી આવ્યા

ભાવનગરનાં ત્રણ યુવા ટ્રાન્સપોર્ટ વ્યવસાયીના મોત થયા હોવાના સમાચારો વાયુ વેગે પ્રસરતા ભાવનગરની સર ટી.હોસ્પિટલે સગા સંબંધીઓ અને નગરસેવકો દોડી આવ્યા હતા.