Russia Ukraine War: અરવલ્લી જિલ્લાના ૩ છાત્રો યુક્રેનના જુદાજુદા શહેરમાં ફસાયા

- અભ્યાસ અર્થે ગયેલા છાત્રો ભયભીત, ભારત સરકાર મદદે આવે તેવી માગ કરાઈ
- ભિલોડા તાલુકાના નાપડા, દહેગામડા અને બાયડ તાલુકાના પીપોદરા સહિતના ૩ છાત્રો એમબીબીએસમાં અભ્યાસ અર્થે યુક્રેનના શહેરમાં વસવાટ કરે છે
- છાત્રોને મદદ માટે ભારત સરકારે એમ્બેસીનો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે,ત્વરીત મદદ પહોંચાડાશેઃ ડૉ.નરેન્દ્રકુમાર મીના(કલેકટર)
મોડાસા,તા.૨૪
આખરે રશિયાએ યુક્રેન ઉપર હવાઈ હુમલાઓ શરૃ કરતાં સમગ્ર દેશમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે તબીબી શિક્ષણ માટે યુક્રેન ગયેલા અરવલ્લી જિલ્લાના ૩ છાત્રો જુદાજુદા શહેરોમાં ફસાઈ ગયા છે. અને ભારતીય એમ્બેસીનો સંપર્ક થતો ન હોઈ ભયભીત બનેલ આ છાત્રો અને અહીં તેમના પરીવારજનોમાં મોટી ચિંતા પ્રસરી છે. ત્યારે ભારત સરકાર ત્વરીત મદદ પહોંચાડે તેવી માંગ ઉઠી છે,જોકે ભારત સરકાર દ્વારા જરૃરી મદદ,માર્ગદર્શન માટે એમ્બેસીનો ટ્રોલ ફ્રી નંબર જારી કર્યો હોવાનું અરવલ્લી જિલ્લા કલેકટર ર્ડા.નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું.અને આવા અસરગ્રસ્ત પરિવારજનોને ન ગભરાવવા અને હિંમત સાથે ધીરજ રાખવા અપીલ કરી હતી.
છેલ્લા કેટલાય દિવસોથી જેની ભીતી સેવાઈ રહી હતી તેવું રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધનો જંગ ગુરૃવારની પરોઢે છેડાયો હતો. રશિયા સરકારે હવાઈ હુમલા કરી યુક્રેનમાં ભયનું વાતાવરણ સર્જી દીધું છે. ત્યારે યુક્રેનમાં તબીબી શિક્ષણના અભ્યાસ અર્થે ટરનોપોલી સીટી માં સ્થાઈ થયેલ ભિલોડા તાલુકાના દહેગામડાના ભાવેશ વણજારા,ચેર્નીવત્સીમાં રહેતા કુલદીપ પટેલ અને બાયડ તાલુકાના પીપોદરા ગામના ધુમ્રિત પટેલ ના પરિવારજનોમાં ચિંતા છવાઈ હતી. યુક્રેનના ટરનોપોલી શહેરમાં અભ્યાસ અર્થે રહેતા ભાવેશ વણજારાએ વિડીયો બનાવી મોકલ્યો છે અને આ વિડીયોમાં હાલ કીવનું એરપોર્ટ મુસાફરો માટે બંધ કરાતાં અને ભારતીય એમ્બેસીનો સંપર્ક નહી થતો હોવાનું જણાવ્યું હતું.યુધ્ધના પગલે આ છાત્રો અને તેમના પરિવારજનોમાં ફલાયેલા ભય વચ્ચે આ છાત્રોએ ભારત સરકાર જરૃરી મદદ પહોચાડે તેવી આશા ભરી માંગ કરી હતી. અરવલ્લી જિલ્લા કલેકટર ર્ડા.નરેન્દ્રકુમાર મીનાનો સંપર્ક કરતાં તેઓએ પણ હાલ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના ૧૧ છાત્રો પૈકી બે છાત્રો અરવલ્લી જિલ્લાના હોવાનું જણાવ્યું હતું.અને આ છાત્રો સંભવીત તમામ મદદ પહોંચાડવા તંત્ર કટિબધ્ધ હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.જો કે ત્રીજા છાત્રા કે તેના ૫રિવાર સાથે તંત્ર સંપર્કમાં ન હોવાનું જણાઈ આવ્યું હતું.
યુક્રેનમાં ફસાયેલા યુવકો
૧. કુલદીપ દિનેશભાઈ પટેલ (મૂળ રહે.દહેગામડા,તા.ભિલોડા- હાલ રહે .ચેર્નીવત્સી(યુક્રેન)
૨. ભાવેશ બાબુભાઈ વણજારા (મૂળ રહે.નાપડા,તા.ભિલોડા - ટરનોપોલી(યુક્રેન)
૩. ધ્રુમીત પટેલ (રહે.પીપોદરા,તા.બાયડ )




