Gujarat

નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીનાં 3 સભ્યોની ધરપકડ

By GS TEAM
12 Mar 20262 mins read
નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીનાં 3 સભ્યોની ધરપકડ

હજુ એક મહિલા સહિત 2 આરોપીઓનાં નામ ખુલ્યાં : ઝડપાયેલી 2 મહિલા અગાઉ પણ પકડાઇ ચૂકી છે : રૂ. 12 લાખ મળી ગયા પછી પણ લાલચ જાગતાં મામલો પોલીસમાં પહોંચ્યો

રાજકોટ,  : બોટાદનાં નિવૃત શિક્ષક બટુકભાઇ પટેલ (ઉ.વ. 59)ને ખેતીની જમીન જોવાનાં બહાને રાજકોટ બોલાવી, એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં લઇ જઇ, બળજબરીથી શરીરસંબંધ બંધાવી, નિર્વસ્ત્ર હાલતમાં ફોટા પાડી, દુષ્કર્મના કેસમાં ફીટ કરાવવાની ધમકી આપી રૂ. 12 લાખ પડાવી લેવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 

આરોપીઓમાં નિલેશ મૈયાભાઇ જુંજા (ઉ.વ. 36, રહે. નવા નારણપર ગામ, તા.પડધરી), પાયલ ભાવિનભાઇ પટેલ (ઉ.વ. 35, રહે. રાંદેસણ, ગાંધીનગર) અને તેજલ દિપકભાઇ ટીંડાણી (ઉ.વ. 31, રહે. રાધામીરા સોસાયટી, સેટેલાઇટ ચોક, મોરબી)નો સમાવેશ થાય છે. 

આરોપી પાયલ સામે આ અગાઉ અંકલેશ્વરનાં બી ડિવિઝન પોલીસ મથકમાં હનીટ્રેપનો અને આરોપી તેજલ સામે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં બળજબરીથી પડાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાઇ ચુક્યો છે. 

હનીટ્રેપનાં આ ચર્ચાસ્પદ કેસમાં ભોગ બનનાર બટુકભાઇએ આરોપી ટોળકીને રૂ. 12 લાખ આપી પણ દીધા હતા. તે વખતે તેને કોઇ ફરિયાદ પણ કરવી ન હતી પરંતુ લાલચમાં આવી ગયેલી આરોપી ટોળકીએ વધુ 3 થી 4 લાખની માંગણી કરી ત્રાસ આપવાનું ચાલું રાખતા આખરે ગઇકાલે એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

તે સાથે જ ક્રાઇમ બ્રાંચની ટીમોએ પણ તપાસમાં ઝુકાવી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. હજુ એક મહિલા સહિત બે આરોપીઓના નામો ખુલ્યા છે. જેમને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચે પ્રયાસો ચાલુ રાખ્યા છે. આ ટોળકીએ બીજા કોઇને શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પણ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી છે. ઝડપાયેલ આરોપી નિલેશ ડ્રાઇવીંગ કરે છે. આરોપી તેજલ ઇમિટેશનનું કામ કરે છે.