Gujarat

કાઢેલું મીટર ફરી લગાવવા રૂ.35 હજારની લાંચ લેતા વીજ કું.ના ઈજનેર સહિત 3 ઝડપાયા

By GS Team
25 Feb 20222 mins read
This article was originally published on 25 Feb 2022
કાઢેલું મીટર ફરી લગાવવા રૂ.35 હજારની લાંચ લેતા વીજ કું.ના ઈજનેર સહિત 3 ઝડપાયા

- જોડાણ કપાતા વરાછાના વેપારીએ ડાયરેક્ટ જોડાણ કર્યું હતું : જુદાજુદા બહાને હેરાન કરી રૂ.1.50 લાખ રિકવરી નહીં ભરવા બદલ લાંચ માંગી

- વરાછા યોગીચોક ડિવિઝનના નાયબ ઈજનેર મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયા, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ યોગેશ લીમજીભાઈ પટેલ અને વચેટીયો વિજય ભીખાભાઇ પરમાર સામે ગુનો દાખલ

સુરત, : સુરતના વરાછા યોગીચોક વિસ્તારમાં બાકી વીજબીલ રૂ.4800 નહીં ભરનાર ઓનલાઈન પ્રોડક્ટનો વેપાર કરતા યુવાનની ઓફિસનું કાઢેલું મીટર ફરી લગાવવા રૂ.35 હજારની લાંચ લેતા ડીજીવીસીએલના વરાછા યોગીચોક સબ ડિવિઝનના નાયબ ઈજનેર, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ સહિત ત્રણને એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા.

એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા યોગીચોક વિસ્તારમાં એક કોમ્પલેક્ષમાં ઓફિસ રાખી ઓનલાઈન પ્રોડક્ટનો વેપાર કરતા યુવાને બાકી વીજબીલ રૂ.4800 નહીં ભરતા વરાછા યોગીચોક સબ ડિવિઝનના સ્ટાફે તેનું કનેક્શન કાપી નાખી મીટર કાઢીને લઈ ગયા હતા. ત્યાર બાદ યુવાને વીજલાઈન ડાયરેક્ટ કરી ઉપયોગ શરૂ કરતા ફરી તે પકડાયો હતો. આથી તેની પાસે રૂ.1.50 લાખની રિકવરી કાઢી હતી. એટલું જ નહીં તેને તેની ઓફિસ ભાડાની હોય તેના ભાવનગર ખાતે રહેતા મૂળ માલિકને સુરત બોલાવી મળી જવા દબાણ પણ કરતા હતા. જો તેમાંથી બચવું હોય તો અને કાઢેલું મીટર ફરી લગાવી કાયદેસર વીજ સપ્લાય શરૂ કરવા વરાછા યોગીચોક સબ ડિવિઝનના નાયબ ઈજનેર મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયાએ યુવાન પાસે રૂ.35 હજારની લાંચ માંગી તે રકમ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ યોગેશભાઇ લીમજીભાઇ પટેલને આપવા કહ્યું હતું.


યુવાને આ અંગે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા મદદનીશ નિયામક એન.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ.એન.દેસાઇ અને સ્ટાફે ગતરોજ છટકું ગોઠવ્યું હતું અને સ્વસ્તિક પ્લાઝા શોપીંગ સેન્ટરમાં આવેલી અવધ મોબાઇલ દુકાનની સામે રોડ ઉપર વીજ કંપનીના કર્મચારીઓ વતી લાંચની રકમ લેવા આવેલા વચેટીયા વિજયભાઇ ભીખાભાઇ પરમારને રૂ.35 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં એસીબીએ બંને કર્મચારીની પણ અટકાયત કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.