Gujarat

હિંમતનગર નગરપાલિકા દ્વારા વેરા બાકીદારોની 28 મિલ્કતો સીલ

By GS Team
4 Jan 20222 mins read
This article was originally published on 4 Jan 2022
હિંમતનગર નગરપાલિકા દ્વારા વેરા બાકીદારોની 28 મિલ્કતો સીલ

હિંમતનગર તા. 3

હિંમતનગર નગરપાલિકાના ટેક્ષ વિભાગની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં ૨૮ જેટલા મિલ્કત ધારકોની મિલ્કતો ઉપર સીલીંગ કાર્યવાહી હાથ ધરાતા પાલિકાનો ટેક્ષ ન ભરતા બાકીદાર મિલ્કત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાના ટેક્ષ વિભાગે ૨૦૦ થી વધુ બાકીદારોને ટેક્ષ ભરવા માટે વોરંટની બજવણી કરતા આવા બાકીદારોમા હવે દોડધામ મચી છે.

હિંમતનગર નગરપાલિકા દ્વારા ટેક્ષની વસુલાત વધુ થાય તે માટે ટેક્ષ વિભાગ દ્વારા શહેરના ૨૦૦ થી વધુ બાકીદારોને ટેક્ષ ભરવા માટે વોરંટની બજવણી કરવામાં આવી હતી. જયારે પાલિકાના ચીફ ઓફિસર નવનીતભાઈ પટેલની સુચનાથી ટેક્ષ વિભાગની ટીમો દ્વારા છેલ્લા બે દિવસમાં મિલ્કતોનો ટેક્ષ ન ભરતા ૨૮ મિલ્કત ધારકોની મિલ્કતોને સીલ મારવાની કાર્યવાહી કરતા બાકીદારોમાં દોડધામ મચી ગઈ છે. જેમાં એક મિલ્કત ધારકે પોતાને ભરવાનો થતો ટેક્ષ પણ તાબડતોબ નગરપાલિકામાં ભરાવી દીધો હતો.

પાલિકાની બે દિવસની સીલીંગ કાર્યવાહીને પગલે આસપાસના વેપારીઓ પણ સમગ્ર કાર્યવાહીને નિહાળવા ટોળે વળ્યા હતા.  પાલિકાએ ટેક્ષ ન ભરતા રીઢા બાકીદારો વિરૃધ્ધ કડક કાર્યવાહી હાથ ધરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ટેક્ષ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ જે બાકીદારોના ટેક્ષ ભરવાના બાકી છે અને જે ઓને વોરંટની બજવણી થઈ છે તેઓ તાકીદનો પોતાનો ટેક્ષ નહિ ભરે તો આવા મિલ્કત ધારકો વિરૃધ્ધ બોજાની નોંધ કરી મિલ્કત નિષ્ક્રીય કરવા સુધીની ચિમકીઓ પણ તંત્ર દ્વારા આપી દેવાઈ છે. પાલિકાના ટેક્ષ વિભાગ દ્વારા ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં વિભાગને રૂ. ૭ કરોડથી વધુની આવક થઈ છે.