Gujarat

જામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોરોનાના 23 પોઝીટીવ કેસ નોંધાયા: જ્યારે 98 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા

By GS Team
14 Feb 20222 mins read
This article was originally published on 14 Feb 2022
જામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોરોનાના 23 પોઝીટીવ કેસ નોંધાયા: જ્યારે 98 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા

- જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના બિછાને ગઈકાલે રવિવારે ધ્રોળ અને વિજરખીના વધુ બે દર્દીઓએ દમ તોડયો

જામનગર, તા. 14

જામનગર શહેર અને જિલ્લામાં શુક્રવારે કોરોનાનો ગ્રાફ સિંગલ ડિજિટમાં રહ્યા પછી છેલ્લા 48 કલાક દરમિયાન થોડો ઉછાળો જોવા મળ્યો છે, ઉપરાંત ગઈકાલે રવિવારે સવારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં બે દર્દીઓના કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયા છે. હાલ સરકારી જી.જી. હોસ્પિટલમાં માત્ર 15 દર્દીઓ દાખલ છે, જેમાં 3 દર્દીને વેન્ટિલેટર પર સારવાર અપાઇ રહી છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સિંગલ ડીઝીટમાં આવી ગયા પછી શનિ-રવિ દરમિયાન નજીવો ઉછાળો આવ્યો છે, અને છેલ્લા ૪૮ કલાક દરમિયાન જામનગર શહેરના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે 68 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ શનિ રવિ દરમિયાન 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ૩૦ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે. સમગ્ર જિલ્લામાં 48 કલાક દરમિયાન 23 પોઝિટિવ કેસ નોંધાયા છે તેની સામે ચાર ગણા એટલે કે 98 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા જામનગર તાલુકાના વીજરખી ગામના ગૌતમભાઈ વાલાભાઈ મકવાણા નામના 28 વર્ષના યુવાનનું રવિવારે સવારે કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ પોતે અન્ય બીમારીથી પણ પીડાતો હતો. જેના મૃતદેહને તેના વતન પીપળી ગામે લઇ જવામાં આવ્યો છે.

આ ઉપરાંત ધ્રોલ તાલુકાના લતીપર ગામના વતની 75 વર્ષીય વૃદ્ધ મહિલા કે જેઓને પણ જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે સવારે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું છે, અને તેમના મૃતદેહને પણ વતનમાં લઈ જવાયો છે. બે દિવસના વિરામ પછી છેલ્લા 24 કલાક દરમિયાન બે દર્દીના મૃત્યુ ને લઈને ભયનો માહોલ ફેલાયો છે.

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં હાલ માત્ર 15 દર્દી દાખલ છે, જેમાં 12 દર્દી કોરોના પોઝીટીવ છે. જ્યારે ૩ દર્દીને કોરોનાના શંકાસ્પદ દર્દી ગણી સારવાર અપાઇ રહી છે.હજુ પણ ૦૩ દર્દી વેન્ટિલેટરની મદદથી સારવાર મેળવે છે.