Gujarat

વડસર કેનાલમાં ન્હાવા પડેલા 2 યુવાનો ડૂબ્યા : 4નો બચાવ

By GS Team
16 Jul 20203 mins read
This article was originally published on 16 Jul 2020
વડસર કેનાલમાં ન્હાવા પડેલા 2 યુવાનો ડૂબ્યા : 4નો બચાવ

કલોલ, તા. 16 જુલાઇ 2020, ગુરૂવાર

કલોલના જાસપુર પાસે આવેલી વડસર સબ કેનાલમાં ન્હાવા ગયેલા કલોલના છ પૈકી બે યુવાનો ડૂબી ગયા હતા. પાણીમાં સેલ્ફી અને વિડિયો ઉતારતા હતા તે વખતે પાણીનો પ્રવાહ વધી જતાં બે યુવકો તણાઇ ગયા હતા. જ્યારે ચાર યુવકોનો બચાવ થયો હતો. તરવૈયાની મદદથી બંને યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ સહિત સરકારી તંત્ર પણ સ્થળ પર દોડી આવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી છે.

કલોલના પૂર્વ વિસ્તારમાં રહેતા છ મિત્રો પૈકી બે યુવાનો કેનાલમાં ડૂબી ગયા હતા. કલોલના પુર્વ વિસ્તારમાં રહેતા સચિન નરેશભાઇ ચૌહાણ, રજની બળદેવભાઇ પરમાર, રવી મહેશભાઇ પરમાર, હર્ષ હર્ષદભાઇ મકવાણા તેમજ પુર્વ વિસ્તારની મજૂર હાઉસિંગ સોસાયટીમાં રહેતો ૧૮ વર્ષિય ઇશાન મધૂકાંત સોલંકી અને મથુરિયા સોસાયટીમાં રહેતો ૨૦ વર્ષિય દર્શન નટવરભાઇ પરમાર મળી કુલ છ મિત્રો રિક્ષા લઇને જાસપુર કેનાલ પાસે આવેલી વડસર સબ કેનાલમાં નહાવા ગયા હતા. કેનાલમાં નહાવા ઉતર્યા બાદ યુવકો મોબાઇલમાં સેલ્ફી, ફોટા અને વિડીયો બનાવતા હતા તે વખતે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ત્યારે ઇશાન સોલંકી અને દર્શન પરમાર દૂર ન્હાતા હોવાથી પાણીના વધી ગયેલા પ્રવાહમાં તણાઇ ગયા હતા. બહાર રહેલા ચાર મિત્રોએ આ દ્રશ્ય જોઇને બૂમાબૂમ મચાવી હતી પરંતુ આસપાસમાં કોઇ તરવૈયા નહીં હોવાથી બંને યુવકો દૂર સુધી પાણીમાં ખેંચાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસ દોડી આવી હતી. તેમજ કલોલ પ્રાંત અધિકારી અને મામલતદાર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. બે યુવકો ડૂબી જતાં તેમના પરિવારજનોએ હૈયાફાટ આક્રંદ સ્થળ પર જ મચાવી મૂક્યું હતું. અમદાવાદના ફાયર બ્રિગેડની મદદથી બંને યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે આજે મોડી સાંજ સુધી બંને યુવકોની ભાળ મળી નથી. સાંતેજ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા કેનાલમાં કુશળ તરવૈયા પણ ડૂબી જાય છે. તેમ છતાં નવ યુવાનો કેનાલમાં ન્હાવા પડીને જીવ ગુમાવતા હોય છે. અગાઉ પણ આ પ્રકારના બનાવો બની ગયા હોવા છતાં લોકો કેનાલમાં ન્હાવા પડતા હોય અને જીવ ગુમાવે છે.

બચી ગયેલા ચારમાંથી ફક્ત એકનું જ નિવેદન લઇ શકાયું

વડસર સબ કેનાલમાં બે મિત્રોના ડુબવાની આજે બનેલી ઘટનામાં કુલ છ મિત્રો કેનાલમાં ન્હાવા આવ્યા હતાં. જો કે બે મિત્રો પામીના પ્રવાહમાં તણાઇ ગયા હતા. ત્યારે બચી ગયેલા ચાર મિત્રો પૈકી એક જ યુવકનું પોલીસ નિવેદન નોંધી શકી છે. કારણ કે બાકીના ત્રણ મિત્રો સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા. જેથી પોલીસે આ ઘટનામાં સાંતેજ પોલીસે વધુ ત્રણ યુવકોની શોધખોળ આદરી છે અને તેમના નિવેદન લેવાની તજવીજ શરૃ કરી છે. આજે બનેલી આ ઘટના બાદ કેનાલ પર લોકોના ટોળે ટોળા ઉમટયા હતા. તેમજ આ ઘટનાએ કલોલમાંભારે ચકચાર પણ મચાવી મૂકી હતી.

છ યુવકોએ ન્હાતી વખતના વીડિયોને વાયરલ કર્યો હતો

કલોલ તાલુકાના જાસપુર પાસે આવેલી વડસર સબ કેનાલમાં ન્હાવા ગયેલાં છ પૈકી બે યુવાનો ડુબી ગયા હતા. આ યુવાનોએ સેલ્ફી અને વીડિયો ઉતારીને વાયરલ પણ કર્યો હતો. ત્યારબાદ આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.