Gujarat

સાણંદ તાલુકામાં કાન કાપી લૂંટ ચલાવતી ગેંગના 2 સભ્ય ઝડપાયા

By GS TEAM
27 Mar 20261 min read
સાણંદ તાલુકામાં કાન કાપી લૂંટ ચલાવતી ગેંગના 2 સભ્ય ઝડપાયા

છ ગુનાનો ભેદ ઉકેલાયો

સીમ વિસ્તારમાં ખેડૂતો અને મહિલાઓને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ, એક આરોપી  ફરાર

બગોદરા - સાણંદ ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં આઠ મહિનાથી રાત્રિએ ખેડૂતોને માર મારી, કાન કાપી દાગીના લૂંટતી ગેંગના બે આરોપીઓને એલસીબીએ લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે.

સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રાત્રિના સમયે રખેવાળી કરતા ખેડૂતો અને મહિલાઓ પર હુમલો કરી, અત્યંત ક્રૂરતાપૂર્વક કાન કાપી સોના-ચાંદીના દાગીના લૂંટતી રીઢા ગુનેગારોની ટોળકીને આખરે લોકલ ક્રાઈમ બ્રાન્ચએ દબોચી લીધી છે. છેલ્લા આઠ મહિનાથી સાણંદ અને આસપાસના વિસ્તારોમાં આ ગેંગનો ભારે આતંક હતો.

એલસીબીની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તપાસ હાથ ધરતા ચોક્કસ બાતમીના આધારે (૧) સંજય કોદારીયા ઝીલીયા (રહે. સાણંદ) (૨) દશરથ ઉર્ફે દશો દેવીપુજક (રહે. જુડા ગામ, સાણંદ)ને ઝડપી પાડયા હતા. જ્યારે આ ગુનામાં સામેલ ત્રીજો શખ્સ પ્રકાશ રતીલાલ દેવીપુજક (રહે. મટોડા) નહીં ઝડપાતા પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા આરોપીઓ પાસેથી આશરે રૃ.૬.૯૯ લાખની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે. એલીસીબને મળેલી સફળતાથી સાણંદ ટાઉન, જીઆઇડીસી અને ચાંગોદર વિસ્તારના કુલ ૬ જેટલા ગંભીર લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.