Get The App

ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ 1 - image

ગોંડલની ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત : રાજકોટથી વિસાવદરના ધ્રાફળ ડેમ તરફ માછીમારી માટે જતી વખતે પીકઅપ વાન ટકરાતાં પાછળ બેઠેલા 16 પૈકી ૬ શખ્સો બ્રિજ પરથી 20 ફૂટ નીચે ફંગોળાયા

ગોંડલ, : ગોંડલની ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ ઉપર ગત રાત્રિના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો પીકઅપ વાન બ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા 16 પૈકી 6 વ્યક્તિઓ બ્રિજ નીચે પટકાયા હતા. તેમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટથી બોલેરો પીકઅપ વાન લઇ શખ્સો વિસાવદરના ધ્રાફળ ડેમ તરફ માછીમારી કરવા જઇ રહ્યા હતા. બોલેરો પીકઅપ વાનનાં પાછળના ભાગે માછીમારીની નેટ ભરેલી હતી. તેની ઉપર 16 વ્યક્તિઓ બેઠી હતી. દરમિયાન ગત રાત્રિનાં 11નાં સુમારે ગુંદાળા ચોકડી પરનાં ઓવરબ્રિજ પર પહોંચેલી બોલેરોવાનના ચાલકે કાબુ ગુમાવતા બોલેરો બ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા માછીમારીની નેટ ઉપર બેઠેલા કૃષ્ણનંદન રામબલી સહની, રિતેષકુમાર ઓપીન્દર સહની, સન્ની સહની વિકાસ મિથેલેસ સહની, ચંદન નરેશ સદા, ગુલાબ રામબલી સહની બ્રિજ પરથી ફંગોળાઇ 20 ફુટ નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે કૃષ્ણનંદન (ઉ.વ. 25) તથા રિતેષકુમાર સહની (ઉ.વ. 18)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. 

જ્યારે સન્ની સહની, વિકાસ સહની, ચંદન સદા અને ગુલાબ સહનીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. મૃતક બંને યુવાનો બિહારનાં વતની હતા. હાલ રાજકોટ આજીડેમ પાસે રહેતાં અને માછીમારીનો વ્યવસાય કરતા હતા. બંને અપરિણીત હતા. બોલેરો વાનમાં ઘરવખરીના સામાન સાથે ગેસ સિલિન્ડર પણ રાખેલા હતા. સદનસીબે, અકસ્માત દરમિયાન ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો ન હતો. નહીંતર મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. બનાવ અંગે બી.ડિવિઝન પોલીસનાં આર.ટી.પરમારે સુરજ સહનીની ફરિયાદ લઇ બોલેરોના ચાલક રાજકોટનાં મૌલિક ધનજીભાઇ રાઠોડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.