વિશ્વાસ કેળવવા વૃદ્ધને પ્રસાદી રૃપે રૃ.૫૦૦ આપ્યા હતા
બાર દિવસ પૂર્વે ગીરનારનો મોટો સાધુ હોવાનું જણાવીને શહેરના ઘોઘારોડ ઉપર
ઠગાઇ આચરી હતી
ભાવનગર - ભાવનગરના
ભૂતેશ્વર ગામના વ્યકિતને ગીરનારનો સાધુ હોવાની ઓળખ આપી વિશ્વાસમાં લઈ રૃ.૩૫ હજાર
લઈ રફૂચક્કર થઈ જનારા શખ્સ અને તેની કારના ડ્રાઈવર સામે ઘોઘા પોલીસ મથકમાં ગુનો
નોંધાયો હતો. આ પ્રક્રણમાં વૃધ્ધને છેતરી રોકડ લઇ જનાર બે ગઠિયાને ઘોઘા પોલીસે
ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે રહેતા બાબુભાઈ રામુભાઈ કંટારિયા બાર દિવસ
પૂર્વે તા.૩ જૂન ૨૦૨૬ના રોજ ઘોઘા ભાવનગર રોડ પર ઊભા હતા. તે દરમિયાન પીપળીયા પુલ
તરફથી કાર આવી હતી. કારની ડાબી બાજુનો કાચ ઉતારી અંદર બેસેલા શખ્સે નજીક આવવાનો
ઈશારો કરતા બાબુભાઈ કાર પાસે ગયા હતા. કાર પાસે જોયું તો કારમાં નાગા સાધુ બેઠા
હતા જયારે ડ્રાઈવર સીટ પર અન્ય એક વ્યકિત હતો. કારમાં બેઠેલા કથિત નાગા સાધુએ
બાબુભાઇને પરસોતમભાઈના બંગલે જવાનો રસ્તો પુછયો હતો. બાબુભાઈએ બુધેલ થઈને ભાવનગર
જતા અને આગળ બીજો કોઈને પુછશો તો બંગલો બતાવી દેશે એવી વાતચીત કરી હતી. સાધુએ
થોડીક વાર પછી બાબુભાઈને પરત બોલાવીને ગુજરાતી ભાષામાં વાતચીત કરતા પોતે ગિરનારનો
મોટો સાધુ હોવાનો દાવો કર્યો હતો. આલે પ્રસાદી એમ કહીને કથિત ગિરનારી સાધુએ ૫૦૦
રુપિયાની નોટ બાબુભાઈને આપતા તેમણે રુપિયા ખિસ્સામાં મુકીને ઘર તરફ જવા લાગ્યા
હતા. ફરી સાધુએ બાબુભાઈને નજીક બોલાવીને તારી પાસે કેટલા નાણા છે એમ કહીને માથે
હાથ મુકયો હતો. બાબુભાઈને ભાન રહયું ના હોય એમ ઘરે જેટલા રુપિયા હોય તેટલા લઈ આવ
એમ કહેતા ઘરેથી ૩૫૦૦૦ રોકડા લાવીને સાધુને ભેટ આપી દીધા હતા. કથિત સાધુએ આ નાણા
ધામક કાર્યક્રમમાં વાપરીશ એમ જણાવીને ઠગાઇ કરીને કારમાં નાસી છુટયા હતા. આ
પ્રકરણમાં ઘોઘા પોલીસે દીપકનાથ નટવરનાથ અને અજયનાથ સુરમનાથ (રહે.બન્ને ગાંધીનગર, દહેગામ)
નામના બે ઠગ ભગતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


