ગઢડાના લાખણકા ગામના ખેડૂતના એકાઉન્ટમાંથી 2.62 લાખ ઉપડી ગયા

- બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
- ખેડૂતે અજાણ્યા નંબર પરથી આવેલી યોનો એસબીઆઈ નામની એપીકે ફાઈલ ડાઉનલોક કરી હતી
ગઢડા તાલુકાના લાખણકા ગામે રહેતા અને ખેતી કામ કરતા દિનેશભાઈ ભીખાભાઈ પઢિયારને એક અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી ગતા તા.૨૨ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ રાત્રે આશરે અગીયાર વાગ્યા આસપાસ દિનેશભાઈના વોટસએપ પર એક યોનો સીબીઆઇ નામની એપીકે ફાઇલ આવી હતી. આ ફાઇલ ઉપર દિનેશભાઇએ ટચ કરતા તે તુરંત ડાઉનલોડ થઇ ગઈ હતી અને તે ખોલતા કાંઇ ખુલેલ નહિ. બાદ બીજા દિવસે દિનેશભાઈ ખેતરે કામ કરતા હતા. તે સમયે સવારે નવેક વાગ્યા આસપાસ દિનેશભાઈના મોબાઈલ ફોનમાં મેસેજ આવેલ કે, એસબીઆઈના બેંક ખાતામાંથી રૂ.૨,૬૨,૦૦૦ કપાઇ ગયેલ છે. તેમજ બીજા એસબીઆઈ બેંક ખાતામાંથી રૂ.૮,૦૦૦ કપાઈ ગયેલ છે. જેથી દિનેશભાઈ તુરંત ખોપાળા ખાતે આવેલ એસબીઆઈ શાખામાં રૂબરૂ જઈ બેંક મેનેજરને જાણ કરેલ કે, ઉપરોક્ત બેંક ખાતામાંથી મારી જાણ બહાર પૈસા કપાઈ ગયાના મેસેજ આવેલ છે અને મેં આવા કોઇ રૂપીયા ઉપાડેલ કે ટ્રાન્સફર કરેલ નથી. જેથી બેંક મેનેજરે મારા બેંક ખાતામાં ચેક કરી જણાવેલ કે, મારા બેંક ખાતામાંથી રૂપીયા અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર થયેલ છે અને હાલ માત્ર ચારસો રૂપીયા બેલેન્સ છે. આમ, ખેડૂત સાથે સાયબર ફ્રોડ થયું હોવાની ફરિયાદ બોટાદ સાયબર પોલીસ સ્ટેશનના નોંધાવી છે.









