Gujarat

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, 'વિધાતા'ને બીજું મંજૂર હતું!

By GS TEAM
11 May 20262 mins read
TukuTouch Logo
કચ્છના ભુજ-માંડવી હાઈવે પર આજે સોમવારે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના ઘટી હતી. નારાણપર (રાવરી) ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક એક બેફામ સ્પીડે આવતા ટ્રેલરે મોપેડને અડફેટે લેતા 19 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ભુજના કૈલાસનગરની રહેવાસી વિધિ જગદીશભાઈ વાઘેલા સવારે 10 વાગ્યાના અરસામાં પોતાની નોકરી પર દહિસરા જઈ રહી હતી, ત્યારે પાછળથી ઓવરટેક કરવા જતાં પાણીના તોતિંગ પાઈપ ભરેલા ટ્રેલરે તેને કચડી નાખી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, 'વિધાતા'ને બીજું મંજૂર હતું!

Kutch Accident news: કચ્છના ભુજ-માંડવી હાઈવે પર આજે સોમવારે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના ઘટી હતી. નારાણપર (રાવરી) ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક એક બેફામ સ્પીડે આવતા ટ્રેલરે મોપેડને અડફેટે લેતા 19 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ભુજના કૈલાસનગરની રહેવાસી વિધિ જગદીશભાઈ વાઘેલા સવારે 10 વાગ્યાના અરસામાં પોતાની નોકરી પર દહિસરા જઈ રહી હતી, ત્યારે પાછળથી ઓવરટેક કરવા જતાં પાણીના તોતિંગ પાઈપ ભરેલા ટ્રેલરે તેને કચડી નાખી હતી.

પરિવાર પર આફત

માત્ર 19 વર્ષની નાની ઉંમરે દુનિયા છોડી જનાર વિધિના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. દોઢેક વર્ષ પહેલાં જ પિતાનું છત્ર ગુમાવનાર વિધિ તેની માતા અને મોટી બહેન માટે આશાનું કિરણ હતી. હાલમાં જ પોસ્ટ વિભાગમાં નોકરીએ લાગેલી વિધિ ઘરની જવાબદારી ઉપાડવામાં મદદરૂપ થઈ રહી હતી. અકસ્માત બાદ તેની મોટી બહેન દિવ્યાએ GJ-12 BY-3314 નંબરના ટ્રેલર ચાલક વિરુદ્ધ માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

‘ડૉક્ટર’ બનવાનું હતું સપનું

આ અકસ્માત માત્ર એક જિંદગીનો અંત નથી, પણ એક તેજસ્વી કારકિર્દી અને સપનાનો પણ કરુણ અંજામ છે. ધોરણ-12 સાયન્સ પછી વિધિનું એક જ લક્ષ્ય હતું – ‘ડૉક્ટર’ બનવું. આ માટે તેણે ખૂબ મહેનત કરી હતી અને હાલમાં જ ફરીથી નીટ (NEET)ની પરીક્ષા પણ આપી હતી. તે પરીક્ષાના પરિણામની અને મેડિકલમાં એડમિશનની રાહ જોઈ રહી હતી, પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. જે દીકરી બીજાના જીવ બચાવવા ડૉક્ટર બનવા માંગતી હતી, તેનો જ જીવ હાઈવે પરના એક બેજવાબદાર ચાલકે છીનવી લીધો.

આ પણ વાંચો: અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ કેવી રીતે પકડાયો!

સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે વિધિને સંભાળવાની તક પણ ન મળી અને તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. હાઈવે પર રઝળતા ભારે વાહનો અને ઓવરટેક કરવાની લ્હાયમાં નિર્દોષ લોકોના જીવ જવાની આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ ભરી દીધો છે. એક તરફ હોનહાર દીકરી ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ અધૂરા રહી ગયેલા સપનાઓ આજે કૈલાસનગર આખું શોકમાં ગરકાવ છે.