ચાર પોલીસ મથકમાં કુલ પાંચ ગુના નોંધાયા
પોલીસે કુલ રૂ.40,359ના મુદ્દામાલ સાથે 3ને ઝડપી પાડયા, 9 સામે ગુનો દાખલ
શહેરના ચિત્રા મામાના ઓટલા પાછળ સ્કુટર પર વિદેશી દારૂ વેચતા હિતેશ હિંમતભાઈ ધાપા (રહે.મફતનગર, ચિત્રા)ને લોકલ ક્રાઈમબ્રાંચે રૂ.૫૮૮૪ની કિંમતની વિદેશી દારૂની ૧૪ બોટલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતા તેને આ દારૂ ઋત્વીક ઉર્ફે માંજો મુકેશભાઈ મકવાણા અને નયનાબેન ઉર્ફે નનુ જેન્તીભાઈ બારૈયા (બન્ને રહે.ચિત્રા) વેચાણ માટે આપી ગયા હોવાની કબુલાત આપતા ત્રણેય સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જ્યારે ઘોઘા તાલુકાના કુડા ગામે બાપા સિતારામ મઢી પાસે શંકાસ્પદ હાલતે ઉભેલા દિલિપ છગનભાઈ શિયાળ (રહે.ઘોઘા)ને ઘોઘા પોલીસે તપાસતા તેની પાસેથી રૂ.૯ હજારની કિંમતના દારૂના ૪૦ ક્વાટર મળી આવ્યા હતા. આ દારૂ તે તેના મિત્ર સંતોષ પ્રવિણભાઈ જેઠવા (રહે.હાથબ) પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપતા બન્ને સામે ઘોઘા પોલીસમા ગુનો નોંધાયો છે. ઉપરાંત ઘોઘાના હાથબ ગામે ચિરોડા વિસ્તારમાં રહેતા ઉમેશ ઉર્ફે પાટીદાર ભરતભાઈ બારૈયાના રહેણાંકી મકાનમાંથી ઘોઘા પોલીસે દારૂના પાંચ ક્વાટર ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. તેમજ શહેરના આડોડિયાવાસ દિપકચોક વિસ્તારમાં પુજાબેન પ્રદિપભાઈ રાઠોડ અને રોહિત પ્રદિપભાઈ રાઠોડના રહેણાંકી મકાનમાંથી ઘોઘારોડ પોલીસે રૂ.૧૧,૨૮૦ની કિંમતની દારૂની ૯૪ બોટલ અને રૂ.૭૦૨૦ની કિંમતના ૫૨ ટીન ઝડપી લઈ માતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે. જ્યારે શહેરના વિરાણી સર્કલ પાસે શંકાસ્પદ હાલતે ઉભેલા ભદ્રેશ વિજયભાઈ રામાણી (રહે.માધવ વિહાર સોસાયટી, લીલાસર્કલ)ને નિલમબાગ પોલીસે તપાસતા તેની પાસેથી વિદેશી દારૂના ૧૫ ક્વાટર મળી આવતા પોલીસે ગુનો નોંધ્યો છે.


