Gujarat

સુરેન્દ્રનગર મનપામાં 16 બેઠક સામાન્ય, 36 અનામત બેઠક

By GS TEAM
18 Sep 20252 mins read
સુરેન્દ્રનગર મનપામાં 16 બેઠક સામાન્ય, 36 અનામત બેઠક

ચૂંટણી આયોગ દ્વારા નવું સીમાંકન જાહેર કરાતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ બની

૧૩ વોર્ડમાં કુલ ૨,૬૬,૭૩૩ની વસ્તીનો સમાવેશ કરાયો ઃ વોર્ડ દિઠ સરેરાશ ૨૦,૫૧૮ની વસ્તી ઃ વિકાસ હરણફાળ ભરશે

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. નવા સીમાંકન અનુસાર ૧૩ વોર્ડમાં કુલ ૨,૬૬,૭૩૩ની વસ્તીનો સમાવેશ કરાયો છે જે અનુસાર વોર્ડ દિઠ સરેરાશ ૨૦,૫૧૮ની વસ્તી રહેશે. તેમજ ૫૪ બેઠક પૈકી ૧૬ બેઠક સામાન્ય, ૩૬ અનામત બેઠકો ફાળવવામાં આવી છે. ચૂંટણી આયોગ દ્વારા નવું સીમાંકન જાહેર થતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

રાજ્ય સરકાર દ્વારા ૦૧-જાન્યુઆરી-૨૦૨૫થી સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાને મહાનગરપાલીકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારે આગામી મહાનગરપાલિકાનાી ચૂંટણીને ધ્યાને લઈ રાજ્ય ચૂંટણી આયોગ સહિત રાજકીય ગતવીધીઓ તેજ બની છે અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડનું નવું સીમાંકન પણ જાહેર કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા બન્યા બાદ ચૂંટણી સહિતની પ્રક્રિયાઓ અંગે સરકાર દ્વારા વિવિધ વોર્ડ, બેઠક, બેઠકનો પ્રકાર, વસ્તી, મતદારો, જ્ઞાાતિ આધારીત માહિતી, સીમાંકન વગેરે માહિતીના આધારે નવું સીમાંકન વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીના છેલ્લા આંકડાને ધ્યાને લઈ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. તે મુજબ મહાનગરપાલિકાની કુલ વસ્તી ૨,૬૬,૭૩૩ થાય છે. 

જાહેરનામા મુજબ મહાનગરપાલિકાને ૧૩ વોર્ડમાં વિભાજીત કરવામાં આવી છે અને દરેક વોર્ડની સરેરાશ વસ્તી ૨૦,૧૫૮ થાય છે. આ ઉપરાંત મહાનગરપાલિકા માટે પાંચ બેઠકો અનુ.જાતિ માટે ફાળવવામાં આવી છે. તે પૈકી બે બેઠક અનુ.જાતિ મહિલા માટે અનામત રહેશે. 

વોર્ડ દિઠ બે બેઠક મહિલા અનામત રહેશે (બોક્સ)

નિયમ મુજબ દરેક વોર્ડમાં ૪ કાઉન્સેલર રહેશે અને દરેક વોર્ડમાંથી બે બેઠકો મહિલાઓ (અનુ.જાતિ, અનુ.આદિજાતિ, પછાતવર્ગની મહિલાઓ)ઓ માટે અનામત રહેશે. જ્યારે અનુ.જાતિ, અનુ.આદિ જાતિ અને પછાતવર્ગની બેઠકો પણ વસ્તી અને તેની ટકાવારીના ઉતરતા ક્રમમાં ગોઠવી નક્કી કરવામાં આવી છે. 

અનુ.જાતિ અને અનુ.આદિજાતિના વોર્ડ (બોક્સ)

અનુ.જાતિની વસ્તીની ઉંચી ટકાવારીના ક્રમ મુજબ વોર્ડ નં.૧૧માં અનુ.જાતિ, વોર્ડ નં.૧૩માં અનુ.જાતિ મહિલા, વોર્ડ નં.૬ માં અનુ.જાતિ, વોર્ડ નં.૯માં અનુ.જાતિ મહિલા અને વોર્ડ નં.૮માં અનુ.જાતિ બેઠક ફાળવવામાં આવશે. જ્યારે મહાનગરપાલિકામાં અનુ.આદિજાતિ માટે (૦) શુન્ય બેઠક અનામત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.