Get The App

વડોદરાના વોર્ડ નં.16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં 150 જેટલા રહીશો કોંગ્રેસમાં જોડાયા

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના વોર્ડ નં.16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં 150 જેટલા રહીશો કોંગ્રેસમાં જોડાયા 1 - image

Vadodara : વડોદરા પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)ની પેનલના સમર્થનમાં 150 જેટલા નાગરિકો કોંગ્રેસમાં જોડાયા હતા અને સૌએ તેમના વિસ્તારમાં અહીં કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

પાલિકાની ચૂંટણીમાં પ્રચાર હવે અંતિમ ઘડીએ અને જોરશોરથી ચાલી રહ્યો છે. છેલ્લે છેલ્લે ચૂંટણી પ્રચારમાં હવે વેગ મળતો જોવા મળી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)ના સમર્થનમાં તેમના વિસ્તારની શ્રીનાથ એરાઈઝ તથા તેની આજુબાજુની સોસાયટીઓના અંદાજે 150 જેટલા નાગરિકો કોંગ્રેસમાં જોડાયા હતા. અહીંના રહીશોએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી તથા અન્ય પ્રાથમિક સુવિધા બાબતે તકલીફ છે, અગાઉ અમે આ મામલે સત્તાધારી પક્ષને વારંવાર રજૂઆત કરી પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી. જે બાદ આ મામલે અમે ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈને મળ્યા હતા અને તેમણે યોગ્ય કામગીરીનું આશ્વાસન આપ્યું છે.

સમગ્ર મામલે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી હું માત્ર કોર્પોરેટર તરીકે નહીં પરંતુ પોતાની જાતને એક સેવક તરીકે ગણું છું. કોઈ પણ વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ મને તેની રજૂઆત માટે આવે તો તુરંત એની યોગ્ય સ્તરે રજૂઆત કરવા સાથે બીજા દિવસે કેવી રીતે કામગીરી શરૂ થાય? તેના પર ભાર આપતો હોઉં છું. જાહેર જીવનમાં જનતા માલિક છે અને અમે તેના સેવક છીએ અને સેવકે જે રીતે માલિકની વાત સાંભળવાની હોય તે રીતે હું દરેક લોકોની રજૂઆત સાંભળીને તેનું નિવારણ લાવી રહ્યો છું. મારા વિસ્તારમાં જે ગ્રાઉન્ડ છે તેના આધુનિકરણ સાથે નવીન ગરબા ગ્રાઉન્ડનું વચન આપું છું, જેથી આગામી દિવસમાં મારા વિસ્તારની માતાઓ અને બહેનો અહીં શાંતિથી ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકે. આ જગ્યાની આસપાસનો સંપૂર્ણ નકશો હું આગામી 6થી 8 મહિનામાં બદલી દઈશ તેનું વચન આપું છું. અગાઉ અહીં રસ્તા તથા સ્ટ્રીટ લાઇટની જે તકલીફ હતી તે મેં દૂર કરી આપી છે તે બાબતને નાગરિકો સ્વીકારી રહ્યા છે.