Gujarat

વિજયનગરની પોળો અને પોશીના તાલુકામાં 14 ડિગ્રી ઠંડીથી શીતલહેર

By GS Team
4 Dec 20212 mins read
This article was originally published on 4 Dec 2021
વિજયનગરની પોળો અને પોશીના તાલુકામાં 14 ડિગ્રી ઠંડીથી શીતલહેર

હિંમતનગર, તા.3

બે દિવસના કમોસમી માવઠા પછી શુક્રવાર સવારથી વાદળ હટયાં, ઉઘાડ નિકળ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શુક્રવાર સવારે પણ હિલસ્ટેશન જેવું ઠંડુગાર વાતાવરણના કારણે પ્રજા દિવસ દરમિયાન ગરમ વસ્ત્રોમાં લપેટાયેલી જોવા મળી છે.

૧૪ ડિગ્રી સાથે વિજયનગર, પોળો અને પોશીના ટાઢુંબોળ થયું છે. આગામી તા.૧૦ ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.

 ઠંડીની તિવ્રતા વધતાં પરોઢે જનજીવનને વ્યાપક અસર જોવા મળી હતી.  અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશર પછી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલ્ટાવ જોવા મળ્યો છે. પાછલા ૪૮ કલાક દરમ્યાન કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી માવઠું વરસ્યું.  જિલ્લાના ૧૪ પૈકી ૧૦ તાલુકાઓમાં કમોસમી માવઠાની હાજરી જોવા મળી છે.જેના કારણે બાગાયતી તેમજ રવી વાવેતરને અસર થવાની દહેશત ખેડૂતોને સતાવી રહી છે. શુક્રવારની  વહેલી પરોઢથી જિલ્લો ઠંડીની ઝપેટમાં જોવા મળ્યો છે. ઠંડીના કારણે પ્રજા દિવસ દરમ્યાન ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બની હતી. જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં પરોઢે અપડાઉન કરતા મુસાફરો ગરમવસ્ત્રોમાં લપેટાયા હોવા છતાં ઠંડીથી  તાપણાં આગળ ઉભેલા જોવા મળ્યા હતા. જે રીતે ગાયબ થયેલો ઠંડી પ્રકોપ ફરીથી જોવા મળતાં શિયાળો હવે વધુ શીતલહેર પ્રસરાવે તેવી સંભાવના વધી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી તા.૧૦ ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન ૧૦ થી ૧૧ ડિગ્રીએ પહોંચવાની ધારણા છે આ જોતાં આગામી સપ્તાહે પ્રજાએ કાતિલ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. જિલ્લાના ઈડર, બાયડ, હિંમતનગર, મોડાસા સહિતના વિસ્તારોમાં પણ સવારે સૂસવાટા મારતા પવન સાથે ઠંડીની તિવ્રતા વધુ જોવા મળી છે.