Get The App

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી 'ગુજકેટ'ની પરીક્ષા આપશે

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી 'ગુજકેટ'ની પરીક્ષા આપશે 1 - image

ઓ.એમ.આર.  પધ્ધતિ પ્રમાણેના પ્રશ્નપેપરો આવી ગયા

નવ કેન્દ્ર પર ૭૦ બ્લોકમાં એ-ગુ્રપના ૬૨૪, બી-ગુ્રપના ૭૪૦ અને એબી ગુ્રપના-૩ વિદ્યાર્થી પરીક્ષા આપશે

સુરેન્દ્રનગર - ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧ર સાયન્સના વિદ્યાર્થીઓ માટે રાજયના તમામ જિલ્લાઓમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવનાર છે. આજે તમામ જિલ્લાઓમાં ઓ.એમ.આર. પધ્ધતિ મુજબના પ્રશ્નપેપરો પહોંચી જતા સ્ટ્રોંગરૃમમાં સીલ કરી રાઊન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગરમાં ધો.૧ર સાયન્સના વિદ્યાર્થીઓને ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ દરેક પરીક્ષાર્થીને ઈસ્યૂ થઈ ગઈ છે.  બુધવારે એન.ટી.એમ. હાઇસ્કૂલમાં સ્ટ્રોંગરૃમમાં પ્રશ્નપેપરો સીલ કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કન્ટ્રોલરૃમ કાર્યરત કરવામાં આવ્યો છે.

ધો.૧ર સાયન્સના જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને  ફાર્મસી જેવી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય છે તેઓને ગુજકેટની પરીક્ષાના આધારે એડમિશન લેવાનું રહે છે. બોર્ડની પરીક્ષાના અંતિમ ચરણમાં સુરેન્દ્રનગરના નવ કેન્દ્રના ૭૦ બ્લોકમાં  તા.ર૯ને રવિવારે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે.

ચાલુ વર્ષે એ ગુ્રપના ૬૨૪, બી ગુ્રપના ૭૪૦ અને એબી ગુ્રપના ૩ વિદ્યાર્થી પરીક્ષા આપશે જેમાં ૭૫૪ વિદ્યાર્થી અને ૬૧૩ વિદ્યાર્થિની પરીક્ષા આપશે. ગત તા.૧૬ માર્ચના ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના જુદા-જુદા કેન્દ્રોમાં ઉતરવહી ચકાસણીની કામગીરી ચાલી રહી છે. જે સંભવતઃ આગામી સપ્તાહમાં પૂર્ણ થશે.